મળતી વિગતો પ્રમાણે ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ કૈલાશ ગઢવીએ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસમાં વફાદારી અને ઈમાનદારીથી કામ કરનારની અવગણના થતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે.
તેમણે રાજીનામામાં લખ્યું છે કે, નમસ્કાર પ્રમુખશ્રી, આજે હું ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ(પ્રમુખ, ગુજરાત રાજ્ય) તથા પાર્ટીની અન્ય જવાબદારીઓમાંથી રાજીનામું આપી રહ્યો છે. જેવી રીતે પાર્ટીમાં વફાદારી અને ઇમાનદાર લોકોની અવગણના થઈ રહી છે, તે જોઇને દુઃખ થાય છે. પાર્ટીના ઉમેદવારના વિરોધમાં છેલ્લી બે ચૂંટણીમાં કામ કરનારી વ્યક્તિને ટિકિટ અપાય છે અને ઇમાનદારીથી પાર્ટી માટે કામ કરનાર અને તન-મન-ધનથી પાર્ટીની સેવા કરવાની અવગણના થાય છે, તે ખૂબ જ દુઃખદ છે. હું પાર્ટીની તમામ જવાદારીઓમાંથી રાજીનામું આપું છું. કૈલાસદાન ગઢવીના જય હિંદ.
ગઈ કાલે કોંગ્રેસે મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી છે. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી છે.
કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીના નામની જાહેરાત કરી છે. ડાંગ, કપરાડા અને લીંબડી બેઠકો પર કૉંગ્રેસે હજુ સુઘી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા.
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.