અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પેપર ફૂટવા મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર વિરોધ કરવા જતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આપના નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેમને ગાંધીનગર કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવતાં 12 દિવસ પછી આજે જેલમાંથી તેમનો છૂટકારો થયો હતો.
જેલમાંથી બહાર આવેલા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, અમે ગુજરાતની જનતાની લડાઈ લડતા રહીશું. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે અમને ગર્વ છે. ભૂતકાળમાં નવ દસ વખત પેપર ફૂટ્યા. પેપર લીકકાંડમાં મોટા મગરમચ્છ છૂટી ગયા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, જેલના ત્રાસથી અમે ડીરશું નહીં. અસિત વોરાના રાજીનામા સુધીની આ લડાઈ ચાલુ રહેશે.
12 દિવસ પછી આમ આદમી પાર્ટીના 55 નેતા-કાર્યકરોની જેલમુક્તિ થતાં સાબરમતી જેલ બહાર મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. તેમજ જેલમાંથી બહાર આવેલા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઈસુદાન ગઢવીએ દારૂ પીને ભાજપની મહિલા કાર્યકરોની શારિરીક છેડતી કરીને માર માર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી હતી.
આ કેસમાં મોટો ધડાકો થયો છે. આમ આદમી પાર્ટીના વકીલ દાવો કર્યો કે, કોર્ટમાં મૂકાયેલી એફઆઈઆરમાં ઈસુદાને દારૂ પીધો હોવાનો કોઈ ઉલ્લેખ જ નથી. આમ આદમી પાર્ટીના કાર્યકરોની જામીન અરજીમાં આ વાતનો જ ઉલ્લેખ કરાયો હતો. વકીલે કહ્યું કે, પોલીસે ઈસુદાને દારૂ પીધો હોવાનો ઉલ્લેખ કર્યો નથી તેના પરથી જ સ્પષ્ટ છે કે, આ ફરિયાદ ખોટી છે.
કમલમ ખાતે થયેલા તોફાન બાદ ભાજપની મહિલા નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ દારૂ પીધો હતો અને તેણે દારૂના નશામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉશ્કેર્યા હતા.
આ મુદ્દે ગાંધીનગર જિલ્લાના એસપી મયુર ચાવડાએ ઘટનાના દિવસે જ કરેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કમલમ ખાતે જે બનાવ બન્યો છે તેમાં આમ આદમી પાર્ટીના ઘણા લોકોને ડિટેન કર્યા છે અને 500 લોકોના ટોળા સામે FRI નોંધાઈ છે.
તેમણે દાવો કર્યો હતો કે, આ પૈકી ઈસુદાન ગઢવી સામે દારૂ પીધો હોવાની ફરિયાદ થતાં તેમના બ્લડ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રીપોર્ટ એક બે દિવસમાં આવશે તેના આધારે ઈસુદાન ગઢવી સામે પ્રોહિબિશન એક્ટની કલમ લગાવવી કે નહીં એ નક્કી થશે. આ કેસમાં હજુ સુધી એવો કોઈ રીપોર્ટ જ આવ્યો નથી.
પોલીસે આ કેસમાં તમામ સામે રાયોટિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગઈ કાલે રાત્રે મહિલા કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે મહિલા કાર્યકરોના જામીન નામંજૂર કર્યા હતા.