Ahmedabad : અમદાવાદ રિવરફ્રન્ટ પર પીએમ મોદીની હાજરીમાં ખાદી ઉત્સવ યોજાયો. ખાદી ઉત્સવમાં રેકોર્ડ સર્જાયો છે. આ ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ ભાગ લીધો. વડાપ્રધાન મોદીએ 94 વર્ષ જેનો ખાદીનો ચરખો કાંત્યો. પીએમ મોદી સાથે 7500 ખાદી કારીગરો પણ ચરખા કાંત્યાં અને રેકોર્ડ સર્જાયો છે.
ખાદી ઉત્સવમાં પીએમ મોદીએ કર્યું સંબોધન
ખાદી ઉત્સવમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે મને ખાતરી છે કે અહીં હાજર દરેક વ્યક્તિ, આ કાર્યક્રમ જોનાર દરેક વ્યક્તિ આજે અહીં 'ખાદી ઉત્સવ'ની ઉર્જાનો અનુભવ કરશે. આઝાદીના અમૃત મહોત્સવમાં આજે 'ખાદી ઉત્સવ' કરીને દેશે પોતાના સ્વાતંત્ર્ય સેનાનીઓને સુંદર ભેટ આપી છે.
ઈતિહાસ સાક્ષી છે કે ખાદીનો એક દોરો આઝાદીની ચળવળનું બળ બન્યો, તેણે ગુલામીની સાંકળો તોડી નાખી. ખાદીનો એ જ દોરો વિકસિત ભારતના વચનને પૂર્ણ કરવા, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે.
આઝાદીની ચળવળ વખતે ગાંધીજીએ જે ખાદીને દેશનું સ્વાભિમાન બનાવ્યું હતું, એ જ ખાદી આઝાદી પછી ઇન્ફિરીઓરિટી કોમ્પ્લેક્સથી ભરેલી હતી. જેના કારણે ખાદી અને ખાદી સાથે સંકળાયેલ ગ્રામોદ્યોગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ખાદીની આ સ્થિતિ ખાસ કરીને ગુજરાત માટે ઘણી પીડાદાયક હતી.
સાબરમતીનો આ કિનારો આજે ધન્ય બની ગયો છે.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે 7,500 બહેન-દીકરીઓએ એકસાથે સૂત કાંતીને એક નવો ઈતિહાસ રચ્યો છે. આ મારું સદ્ભાગ્ય છે કે મને પણ સૂતર કાંતવાનો થોડો સમય મળ્યો છે.
7500 મહિલાઓ એકસાથે ચરખા કાંત્યા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી 7500 ખાદી કારીગર મહિલાઓએ એક જ સમયે અને એક જ જગ્યાએ ચરખા કાંતતા 'ખાદી ઉત્સવ'માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એક પ્રદર્શન પણ જોવા મળ્યું હતું, જેમાં 1920ના દાયકાથી ઉપયોગમાં લેવાતી વિવિધ પેઢીઓના 22 ચરખાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમાં 'યરવડા ચરખા' જેવા ચરખાનો સમાવેશ થાય છે, જે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઉપયોગમાં લેવાતા ચરખાનું પ્રતીક છે.
ખાદી ઉત્સવની વિશેષતા
ખાદી ઉત્સવ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીના મહત્વને દર્શાવવા માટે કેન્દ્રના 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ આયોજિત એક અનોખી ઘટના છે.
આ કાર્યક્રમમાં 1920થી વપરાતા 22 ચરખાઓનું પ્રદર્શન કરીને 'ચરખા'ની વિકાસ યાત્રા પર એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું.
પ્રદર્શનમાં સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન વપરાતા 'યરવડા ચરખા' સાથે વિવિધ ચરખા પ્રદર્શિત કરવામાં આવ્યાં, જે આજની ટેકનોલોજી અને નવીનતા પર આધારિત છે, આ દરમિયાન પાંડુરુ ખાદીના ઉત્પાદનનું 'લાઈવ' પ્રદર્શન પણ કરવામાં આવ્યું.