Ahmedabad Crime: અમદાવાદ શહેરમાં લુખ્ખાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. વધુ એક મારામારીની ઘટના નરોડા વિસ્તારના સદગુરુ લેન્ડમાર્ક ફ્લેટમાંથી સામે આવી છે. અહીં પાડોશીઓ વચ્ચે થયેલી મારામારીમાં એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે ત્રણ લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સદગુરુ લેન્ડમાર્ક ફ્લેટમાં રહેતો એક આર્મીમેન તેની પત્ની સાથે અપશબ્દો બોલી રહ્યો હતો. આ સાંભળીને સામે રહેતા પરિવારે તેમને અપશબ્દો બોલવાનું બંધ કરવા કહ્યું હતું. જેના કારણે બંને પાડોશીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન, અન્ય બે વ્યક્તિઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યારે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમાંથી એક વ્યક્તિએ અચાનક છરી કાઢીને હુમલો કરી દીધો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ હાથમાં છરી લઈને કોઈ પણ જાતના ડર વગર વારંવાર હુમલો કરી રહ્યો છે અને દરવાજો તોડવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે.
આ મારામારીની ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી આર્મીમેનની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત, યોગેશ સોની અને દિલીપ સોની નામના બે આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મારામારી અપશબ્દો બોલવાને લઈને શરૂ થઈ હતી. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમદાવાદ જેવા શાંત શહેરમાં આ પ્રકારની મારામારીની ઘટનાઓ ચિંતાજનક છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં બીજી વખત જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. આ ઘટના વસ્ત્રાલની માધવ સ્કૂલ પાસે બની હતી, જ્યાં કેટલાક યુવકો અચાનક એકબીજા પર લાકડી અને દંડા વડે તૂટી પડ્યા હતા. આ મારામારીના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આ મારામારી અંગત અદાવતમાં થઈ હોવાનું માનવામાં આવે છે. બે પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને મારામારીમાં પરિણમી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણ જેટલા શખ્સો હાથમાં લાકડાના દંડા લઈને એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે મારામારી કરનારા લોકો છરી જેવા હથિયારો પણ લાવ્યા હતા, જો કે પોલીસ તપાસ બાદ જ આ વાતની પુષ્ટિ થઈ શકશે. મહત્વની વાત એ છે કે આ ઘટના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને છેલ્લા 24 કલાકમાં આ બીજી વખત જાહેરમાં મારામારીની ઘટના સામે આવી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો.
સમગ્ર ઘટના અંગે રામોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે મારામારી કરનારા યુવકોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા કર્યા હતા.