Ahmedabad: અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. ઠક્કરબાપાનગર વિસ્તારના ભાજપ ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરૂદ્ધ સ્થાનિક લોકોએ હાય હાયના નારા લગાવ્યા હતા. રોડ, ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીની લાઈન નાખવા મુદ્દે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો અને આરોપ લગાવ્યો હતો કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા નથી. કંચનબેનના પતિને રજૂઆત કરીએ છીએ તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જવાનું કહે છે. સ્થાનિકોની માંગ છે કે, જે ગટર લાઈન 30 વર્ષ જૂની છે તે ગટર લાઈનને હવે મોટી નાખવામાં આવે. જેથી ડ્રેનેજની સમસ્યા દૂર થાય. વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઇન નાખ્યા બાદમાં જ રોડ બનાવવામાં આવે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું એવી ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી.
ઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાને ઠક્કરબાપાનગર વિસ્તારના સ્થાનિક લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ઠક્કરબાપાનગર રોડ પર આવેલા વૃંદાવન પાર્ક સોસાયટી નજીક એક ડ્રેનેજ લાઈન નાખવા, વરસાદી પાણીની લાઈન અને રોડ બનાવવા મુદ્દે સ્થાનિક લોકો ભેગા થયા હતા. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયાને રજૂઆત કરીએ છીએ છતાં કામ થતાં નથી. વર્ષો જૂની ગટર લાઈન હોવા છતાં પણ નવી નાખવામાં આવતી નથી. જો સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો બે મહિનામાં અમે ચૂંટણીમાં જવાબ આપીશું એવી ચીમકી ઉચ્ચારી હતી.
અમદાવાદના ભાજપના વધુ એક મહિલા ધારાસભ્ય પર સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરૂદ્ધ સ્થાનિક લોકોએ 'હાય હાય'ના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા નથી.
'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે'
લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે કંચનબેનના પતિને રજૂઆત કરીએ છીએ તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જવાનું કહે છે. જો કોર્પોરેશન ઓફિસ જવાનું હોય તો તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે. હું સિનિયર સિટીઝન થઈને કોર્પોરેશન ઓફિસ સુધી જાવ એવા પણ પ્રશ્નો કર્યા હતા. સ્થાનિક લોકોએ માંગ કરી હતી કે જે ગટર લાઈન 30 વર્ષ જૂની છે તે ગટર લાઈનને હવે મોટી નાખવામાં આવે. જેથી ડ્રેનેજની સમસ્યા દૂર થાય. વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઇન નાખી અને બાદમાં જ રોડ બનાવવામાં આવે. જે પાણીની લાઈન નાખવામાં આવે છે તેની પહેલા ગટરની લાઈન નાખવામાં આવે ને તેનું જોડાણ કરવામાં આવે પછી જ આ વરસાદી પાણીની લાઈન નાખવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે આજ દિન સુધી આ કામગીરી થઈ નથી.
ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યને અમે રજૂઆત કરીએ છીએ અને લેટર લખીને આપે છે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ચોમાસામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. બસ તેઓ ઘરમાં સૂઈ રહેતા હોય છે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું એવી પણ ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે અમે ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાને 25 વખત મળ્યા અને રજૂઆત કરી તો તેઓ કહે છે અમે મોકલીશું. અમે મોકલીશું. પણ ક્યારે મોકલશે ખબર નથી. ગટર ઉભરાવાની સમસ્યા તો કાયમની બની ગઈ છે.