AHMEDABAD: ગુજરાત સરકારના કેટલાક સનદી અધિકારીઓ વ્યક્તિગત આર્થિક લાભ માટે ગુજરાતીઓના પરસેવાની કમાણીમાંથી ભરતા ટેકસના નાણાં જે સરકારી તિજોરીમાં જમા થાય છે તેને કેવી રીતે લૂણો લગાડે છે અને કેવી રીતે લુટે છે તેનું વરવું ઉદાહરણ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કેમિકલ્સ લિમિટેડ નામની ગુજરાત સરકારની કંપનીનું ગોડાઉન બન્યું છે. 




આ મશીનરી ખરીદી જેની પાછળ અંદાજિત રૂ. 100 કરોડનો ખર્ચ થયો


ગુજરાતની અંદર ભરપૂર માત્રામાં ગેસ અને તેલનો જથ્થો મળવાનો અંદાજ છે તેવું રાજ્ય સરકારને સ્વપ્ન બતાવી ગેસ અને તેલ કાઢવા માટે અત્યાધુનિક મશીનરીની જરૂર હોવાથી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કેમિકલ્સ લિમિટેડ (GSPCL) નામની સરકારી કંપનીના અધિકારીઓએ કરોડો રૂપિયાની મશીનરી ખરીદવાની મંજૂરી મેળવી લીધી. આ ઉપરાંત ગણતરી કરતા વધુ મશીનરી ખરીદવામાં આવી. સૂત્રોનો દાવો છે કે તબક્કાવાર વર્ષ 2008 સુધી GSPCLના અધિકારીઓએ આ મશીનરી ખરીદી જેની પાછળ અંદાજિત રૂ. 100 કરોડનો ખર્ચ થયો.


આ મશીનરી GSPCLના ગોડાઉનમાં પડી પડી ભંગાર થઈ ગઈ છે


વર્ષ 2008 સુધી GSPCLએ ખરીદેલી રૂપિયા 100 કરોડની મશીનરીનો ઉપયોગ જ થયો નથી કારણકે ધરતીના પેટાળમાંથી ગેસ અને તેલ કાઢવા માટે કોઈ કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી થઈ જ નથી. ટેકનિકલ ભાષામાં કહીએ તો GSPCL એ છેલ્લા ઘણા વર્ષોથી ઓફશોર ડ્રીલિંગ કર્યું જ નથી. આ ઉપરાંત GSPCLનું ઓનશોર ડ્રીલિંગનું કામ રાજ્યમાં માત્ર 5 સાઈટ પર અને તે પણ સમ ખાવા પૂરતું જ ચાલે છે. પરિણામે કરોડો રૂપિયાની આ મશીનરી GSPCLના ગોડાઉનમાં પડી પડી ભંગાર થઈ ગઈ છે. 




કંઈ મશીનરી થઈ ભંગાર ? 



  • ડ્રીલિંગ મશીન

  • પાઈપ્સ

  • કપલર્સ

  • સાઉદી સેન્ડ

  • સિમેંટિંગ કેમિકલ્સ

  • પેકિંગ કેમિકલ્સ અને મટીરિયલ

  • કેપ્સ અને ગાસ્કેટ્સ

  • ફ્લેમપ્રૂફ ઇન્ડેક્સન મોટર્સ


આયોજનપૂર્વક સરકારી તિજોરીમાંથી ખિસ્સા ભરવા માટે આચરેલું ષડયંત્ર



અધિકારીઓની આ અણઆવડત કે બેદરકારી નથી. સૂત્રોની વાત માનવામાં આવે તો GSPCLના કેટલાક અધિકારીઓએ આયોજનપૂર્વક સરકારી તિજોરીમાંથી ખિસ્સા ભરવા માટે આચરેલું ષડયંત્ર છે. સૂત્રોએ કરેલા દાવા મુજબ GSPCLના કેટલાક અધિકારીઓએ પહેલા ગણતરી કરતાં વધુ મશીનરી ખરીદી. ખરીદીમાં કમિશન મેળવ્યું. બાદમાં નિવૃત્ત થઈ ખાનગી કંપનીમાં ગોઠવાયા અને જે સામાન સારો હતો તે ભંગારના ભાવે પોતાની ખાનગી કંપનીમાં ખરીદ્યો. જ્યારે અન્ય સામાન હવે પડ્યો પડ્યો ભંગાર થયો છે. 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial