Semicon India 2023 Event: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે હતા, આ દરમિયાન ગઇકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સેમિકૉન ઇન્ડિયા 2023ની ઇવેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો, 28મી જુલાઇએ શરૂ થયેલી આ ઇવેન્ટ ત્રણ દિવસ સુધી ચાલવાની છે, આજે આ સેમિકૉન ઇન્ડિયા 2023માં એક મોટુ અપડેટ આવ્યુ છે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસૉસિએશન વચ્ચે કરોડો રૂપિયાની MOU સાઇન કરાયા છે. આ MOU અતર્ગત હવે ગુજરાતમા સેમિ કન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થશે, IESA ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રૉનિક્સ મિશનને ઇલેક્ટ્રનિક્સ અને સેમિકન્ડક્ટર માટેની વાઈબ્રન્ટ ઇકૉસિસ્ટમ વિક્સાવવામાં મદદરૂપ થશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નૉલોજી વિભાગે ઇન્ડિયન ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસૉસિએશન IESA સાથે ગાંધીનગરમાં MOU કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધીનગરમાં યોજાઈ રહેલી સેમીકૉન ઇન્ડિયા-2023 ત્રિદિવસીય કૉન્ફરન્સમાં ભાગ લઈ રહેલા અગ્રણી ઉદ્યોગ જૂથોને ગુજરાતમાં ભવિષ્યમાં તેમના એકમોની સ્થાપના માટે IESA સહાયક બની રહે તેવા હેતુથી આ MOU થયેલા છે.


ગુજરાતને ઇલેક્ટ્રૉનિક્સ મેન્યૂફેક્ચરિંગ એન્ડ ડિઝાઈનનું નેશનલ હબ બનાવવા સાથે સેમિકન્ડક્ટર સેક્ટર માટે એક આખી વાઈબ્રન્ટ ઇકૉસિસ્ટમ રાજ્યમાં ઉભી કરવામાં  IESA રાજ્ય સરકારના ધી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રૉનિક્સ મિશન GSEMને ગાઈડન્સ એન્ડ સપૉર્ટ પૂરાં પાડશે, એટલું જ નહીં ઇન્વેસ્ટમેન્ટ પ્રમૉશન અને ઇન્વેસ્ટર્સ આઉટરિચ માટે પણ GSEMને IESA માર્ગદર્શન આપશે.




રાજ્ય સરકાર વતી આ MOU પર GSEMના મિશન ડિરેક્ટર કરી વિદેહ ખરેએ તથા IESA વતી પ્રેસિડેન્ટ કે.ક્રિષ્નામૂર્થિએ હસ્તાક્ષર કરીને પરસ્પર આપ-લે કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમિકન્ડક્ટર સેક્ટરમાં ગ્લૉબલ પ્લેયર બનવામાં આ MOU ઉપયુક્ત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે IESA ભારતના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદન ઉદ્યોગોની વૃદ્ધિ કરવા માટે કાર્યરત છે. ભારતમાં આ ક્ષેત્રે કરવામાં આવતા મહત્ત્વના સેમિનાર, કૉન્ફરન્સના આયોજનમાં IESA પાર્ટનર પણ હોય છે. IESA એ ESDM અને ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રૉનિક્સ માટે દેશની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે.


આ MOU સાઈનિંગ વેળાએ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, સાયન્સ એન્ડ ટેક્નૉલોજી સચિવ વિજય નેહરા તેમજ IESA તરફથી વાઈસ પ્રેસિડેન્ટ કર્નલ અનુરાગ અવસ્થી, એડવાઈઝર વિવેક ત્યાગી અને એક્ઝીક્યૂટિવ કમિટિ મેમ્બર અશોક મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.