Makar Sankranti 2024: ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ઉત્તરાયણ પર સર્જાતા અકસ્માતને લઈ 108 ઈમરજન્સી પણ પહોંચી વળવા તૈયાર છે. 2024ની ઉત્તરાયણ માટે 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 ઍર એમ્બ્યુલન્સ એલર્ટ રાખવામાં આવી છે. પાછલા વર્ષોમાં ઉત્તરાયણે નોંધાયેલા કેસના અભ્યાસ મુજબ 26 ટકાનો વધારો થવાની શક્યતા છે.
સામાન્ય દિવસે આવતી ઇમરજન્સીની સરખામણીએ ઉત્તરાયણના દિવસે 200 ટકા વધુ કેસ નોંધવાની શક્યતા છે. આ બે દિવસ દરમિયાન વેહિક્યુલર ટ્રોમાં અને નોનવેહિક્યુલર ટ્રોમાંના કેસ વધુ નોંધાય છે. લોકોના ગળામાં દોરીની આંટી આવી જવાના કેસ નોંધાય છે. ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 4280 કેસ જયારે 4021કેસ વાસી ઉત્તરાયણના દિવસે નોંધાયા હતા
પશુ-પક્ષીઓ માટે પણ હેલ્પલાઈન
ગુજરાતના પશુપાલન વિભાગ અને EMRI દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પ્રાણી કે પક્ષીઓના જીવ બચાવવાં ટોલ ફ્રી નંબર 1962 ઉપર મદદ લઇ શકાય છે. આ માટે 37 કરુણા એમ્બયુલન્સ કાર્યરત છે. રોજની સામે આવતી 28 બર્ડ ઈંજરી સામે ઉત્તરાયણના દિવસે 660 જયારે 480 કેસ વાસી ઉતરાયણે નોંધાય છે.
ભલે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોય, પરંતુ ચાઇનીઝ દોરી વેચાય પણ છે, ઉપયોગમાં લેવાય પણ છે અને તેનાથી લોકોના મોત પણ થઇ રહ્યા છે. આ ઘાતક દોરાથી નડિયાદમાં ચાઇનીઝ દોરીથી મયુરી નામની 25 વર્ષીય યુવતિનું ગળું કપાયું હતું. નડિયાદના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં ઘટના બની હતી. યુવતિ એક્ટિવા પર જઈ રહી હતી તે દરમિયાન ફતેપુરા રોડ વિસ્તારમાં ગોઝારી ઘટના બની હતી. ચાઇનીઝ દોરીથી યુવતિનું ગળું કપાતાં યુવતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે એ પેહલાં જ મોત થયું હતું. યુવતિના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.
આ પહેલા સુરતના સચિન સાતવલલા બ્રીજ ઉપર પતંગના દોરાથી મોપેડ સવારનું ગળું કપાયું હતું. જોકે સારી વાત એ છે કે આ ઘટનામાં યુવકનો જીવ બચી ગયો હતો. મોપેડ સવારનું ગળું કપાતા જ ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઘટના બાદ યુવકને નજીકનાં દવાખાને સારવાર લઈ ઘરે જતો રહ્યો હતો. જોકે ગળા ઉપર ચીરો લાંબો હોવાથી આજે સિવિલમાં સારવાર માટે આવ્યો હતો. યુવકે કહ્યું હતું કે નવસારીથી નવાગામ આવતા આ ઘટના બની હતી. નજર સામે પતંગનો દોરો દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો. મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે 5 સે.મી. લાંબો અને ઊંડું ઓછું હોવાથી કોઈ જાનહાની થઈ શકે એવી ઇજા ન હોવાનું કહી શકાય છે.