અમદાવાદ: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. સરખેજમાં એક જ પરિવારના ચાર સભ્યોએ યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દિધો હતો. સરખેજમાં હત્યાની ઘટનાની ખળભળાટ મચી ગયો હતો. આરોપીઓએ યુવકને કહ્યું કે ‘તું મારી બહેન સાથે કેમ વાત કરે છે’ તેમ કહીને માત-પિતા તેમજ બે ભાઇઓએ ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સરખેજમાં રહેતા ચિરાગ ઠાકોરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. સોમવારે મોડી રાત્રે ચિરાગ નોકરીથી ઘરે આવીને જમવા માટે બેઠો હતો ત્યારે તેના ભાઇ મિલને તેને જણાવ્યું હતું કે, નિતીન સીંગરોટીયાની બહેનને હું હેરાન કરતો નથી તેમ છતાંય તે લોકોએ મને મારી બહેનને કેમ હેરાન કરે છે તેમ કહીને લાફો મારી દીધો હતો. મિલનની વાત સાંભળીને ચિરાગે તેને નીતિન સાથે વાત કરવાનું કહેતા મિલન ત્યાંથી નીકળી ગયો હતો.
બાદમાં ચિરાગના મોબાઇલ પર તેના મિત્ર વિક્રમ ઠાકોરનો ફોન આવ્યો હતો. જેથી તે તેના ઘરે બેસવા માટે ગયો હતો. અંદાજે દસેક મિનિટ બેઠા બાદ તેઓ સરખેજ કોઠીવાળા વાસના નાકે પાર્લર પર મસાલો ખાવા માટે આવ્યાં હતાં. ત્યાં તેઓ વાતચીત કરી રહ્યા હતાં તે દરમિયાન અચાનક જ બુમાબુમ સાંભળવા મળી હતી. ચિરાગ, વિક્રમ, રાજુભાઇ ઠાકોર, દીપક ઠાકોર, વિશાલ ઠાકોર સહિતના લોકો દોડીને વાલ્મીકી વાસમાં પહોચી ગયા હતા. ત્યાં જઇને જોયું તો નિતીન સીંગરોટીયા, તેના પિતા નરેન્દ્ર ઉર્ફે કાળુ સીંગરોટીયા, ભાઇ સુમિત સીંગરોટીયા, માતા તારાબેન સીંગરોટીયાએ મિલન સાથે ઝઘડો કરી રહ્યા હતા. મિલન લોહીલુહાણ હાલતમાં દિવાલને અડીને જમીન પર સૂતો હતો.
જો કે, તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ જતાં સમયે મિલને કહ્યું હતું, કે, આરોપીઓએ તેમની છોકરીને ફોન કરીને કેમ હેરાન કરે છે, તેમ કહીને તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને મારા માર્યો હતો. નીતીન સીંગરોટીયાએ તેની પાસે રહેલી છરીના ઘા માર્યા હતા. આ કેસમાં પોલીસને જાણ થતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.