અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે દેશમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક ન પહેરનારી વ્યક્તિને 200 રૂપિયાનો દંડ નક્કી કરાયો છે. આમ છતાં કેટલાય લોકો માસ્કના નિયમનું પાલન કરતી નથી. ત્યારે અમદાવાદમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને માસ્કનો દંડ વધારવામાં આવ્યો છે. તાત્કાલિક અસરથી આ નિયમ અમલી કરવા આદેશ કરાયો છે. હાલ સુધી 1.72 લાખ લોકોને જાહેરમાં થુંકવા બદલ દંડ કરાયો છે.


રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અમદાવાદમાં માસ્ક ન પહેરનાર પાસેથી હવે 200 રૂપિયા નહીં, પરંતુ 500 રૂપિયા દંડ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી હવે અમદાવાદમાં તમે માસ્ક નહીં પહેરો અને પકડાશો, તો 500 રૂપિયા દંડ આપવો પડશે. આ ઉપરાંત આ બેઠકમાં પાનના ગલ્લા અને પાન-ગુટખા ખાઈને રસ્તા પર થૂંકતા લોકોને લઇને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જાહેરમાં થૂંકવા પર પણ રૂપિયા 200 નહીં, પરંતુ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.

હવે પાનના ગલ્લા પાસે જાહેરમાં થૂંકવાની પ્રવૃત્તિ થતી જણાશે, તો પાનના ગલ્લા ધારક પાસેથી દંડ વસૂલવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આવા ગલ્લા ધારક પાસેથી 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.