અમદાવાદના મેયર બીજલ પટેલના દિયર પ્રતીક પટેલની પોલીસે રાત્રિ કફર્યૂના ભંગ મામલે અટકાયત કરી છે. પાલડી વિસ્તારમાં ખાણી-પીણીની દુકાન ચલાવતા પ્રતીક પટેલે રાત્રે પણ પોતાની દુકાન ચાલુ રાખી હતી. જેનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે તેની અટકાયત કરી છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી ઊઠી હતી અને વીડિયો મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે અમદાવાદ મેયર બિજલ પટેલના દિયર પ્રતિક પટેલ સામે જાહેરનામા ભંગ અને એપિડેમિક એકટ ફરિયાદ દાખલ કરીને તેની અટકાયત કરી છે.
પાલડી વિસ્તારમાં મોડી રાત સુધી 8 ધ પીઝા સ્ટોલ નામનો ફૂડ કોર્નર ધમધમી રહ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોમાં મોડી રાત્રે પણ ગ્રાહકો ફૂડ લેવા માટે આવતા હોવાનું નજરે પડી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ 291 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 15 કેસ નોંધાયા છે. વધુ 10 લોકોના મૃત્યુની સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2110 થયો છે.