અમદાવાદમાં વધુ એકવાર મેગા ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે. શહેરમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટુ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. ઈસનપુરના રામવાડી તળાવ નજીક AMCનું મેગા ડિમોલીશન કરાયું હતું. 900થી વધુ કાચા-પાકા ગેરકાયદે બાંધકામો દૂર કરાશે. કડક પોલીસ બંદોબસ્ત સાથે મનપાએ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી. 20થી વધુ હિટાચી, JCB અને ડમ્પરની કાર્યવાહી શરૂ કરાઈ હતી. AMCના ચાર ઝોનની એસ્ટેટ ટીમે સાત ટીમ બનાવી છે. 950 મકાનો અને 27 કોમર્શિયલ બાંધકામ અને ધાર્મિક બાંધકામો દૂર કરાશે. પોલીસ અને AMCના અંદાજિત 1200 કર્મી ડિમોલીશનમાં જોડાયા હતા. વોટર બોડીમાં ઉભા થયેલા બાંધકામો દૂર કરાશે.
ઇસનપુર તળાવની આસપાસ અને અંદર 900થી વધુ ગેરકાયદેસર રીતે કાચા-પાકા મકાનો બનાવવામાં આવ્યાં હતા. જેના પર અમદાવાદ મહાનગર પાલિકાની ટીમે મેગા ડિમોલીશનનું કામ શરૂ કર્યુ છે. ચંડોળા તળાવમાં જેમ લોકો મકાન બાંધીને રહેતા હતા તેવી રીતે ઈસનપુરના આ તળાવમાં પણ 1000થી વધુ લોકો રહેતા હોવાની વાત સામે આવી છે, જેને લઈ આજે વહેલી સવારથી કોર્પોરેશન દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી 24 નવેમ્બર સવારથી શરૂ કરવામાં આવી છે. ડિમોલિશનની કાર્યવાહી પહેલા લોકો પોતાનો સામાન ખાલી કરી શક્યા નહતા. એવામાં બુલડોઝર કાર્યવાહીથી ત્યાં રહેતા લોકોને જેટલો સામાન મળ્યો તેટલો બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર અને એએમસી દ્વારા હાલમાં તળાવોના બ્યૂટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તળાવો પર દાયકાઓથી બાંધવામાં આવેલા દબાણોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, આ પહેલાં અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 29 એપ્રિલથી શરૂ થયેલી આ કામગીરી પહેલાં આ વિસ્તારમાંથી 800થી વધુ જેટલા શંકાસ્પદની અટકાયત કરવામાં આવી હતી.બે તબક્કામાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરના ઉપયોગથી દબાણ સાફ કરવામાં આવ્યા હતા. જેમાં ઘરો સિવાય અનેક ગેરકાયદે ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં 4,000 કાચા-પાકા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા અને 1.50 લાખ સ્કેવર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. તો 20 મે 2025એ બીજા તબક્કામાં 8,500 કાચા-પાકા બાંધકામ દૂર કરી કુલ 2.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી.