લાકડા પર કોતરણી દ્વારા અવનવી કલાત્મક વસ્તુઓ બનાવવાની કળા ખૂબ ઓછા લોકોમાં હોય છે. અમદાવાદના નરોડામાં રહેતા આવા જ એક કલાત્મક વસ્તુઓ બનાવવાના માહિર એવા મિનિએચર આર્ટીસ્ટ દીપક ભટ્ટ છે. તેઓ આ કલાને લઈને લીમ્કા બૂક ઓફ રેકોર્ડ તેમજ અનેક સન્માન મેળવી ચૂક્યા છે. હાલ લંડનના ગ્લોસેસ્ટર ખાતે આવેલા વૂડ કાર્વિન સ્ટૂડિયોમાં તેમણે મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અનેક કલાત્મક વસ્તુઓ લાકડા પર બનાવી સૌને મંત્રમુગ્ધ કરી દિધા હતા.
દીપક ભટ્ટ મૂળ સુરેન્દ્રનગરના
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નાના એવા સોલડી ગામમાં જન્મેલા દિપક ભટ્ટ નાનપણથી કંઈક અસાધારણ કરવામાં માનતા હતા. આ માટે તેમને શરૂઆતના દિવસોમાં અનેક પડકારોનો સામનો કરવો પડયો હતો. તેઓએ ચોખાના દાણા પર ચિત્રો દોરવાનુ શરુ કર્યુ. આ કાર્ય માટે ધીરજ અને એકાગ્રતા કેળવવી ખૂબ જરુરી હતી. સોપારી ઉપર ગણપતિ હોય કે લાકડા ઉપર કલાત્મક વસ્તુ બનાવવાની કે ચોખાના દાણા પર તેમના દ્વારા બનાવેલી કૃતિઓ આજે પણ સમગ્ર દેશમાં પ્રચલિત છે.
લંડનના ગ્લોસેસ્ટર વિસ્તારમાં આવેલા વૂડ કાર્વિન સ્ટૂડિયોના સંચાલકોમાં જ્યારે દીપક ભટ્ટ લંડનની મુલાકાતે હોવાની જાણ થઈ ત્યારે તેઓએ દીપક ભટ્ટને સ્ટૂડિયો પર આવી પોતાની કલાત્મક પ્રતિક્રૂતિઓ બનાવી માર્ગદર્શન આપવા વિનંતી કરી હતી. તેમના આમંત્રણને સહર્ષ સ્વિકારી દિપક ભાઈએ એક દિવસના સત્રનું આયોજન કર્યું હતું. જેમાં દીપકભાઈએ કલાત્મક રચનાઓ થકી તમામ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દિધા હતા. લાકડા ઉપર દીપકભાઈએ બાજ તેમજ માનવની આબેહૂબ કૃતિઓ કઈ રીતે બનાવી શકાય તે અંગે સેશનમાં સૌને જાણકારી પૂરી પાડી હતી. આધુનિક સાધનોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે અંગેની જાણકારી તેમણે પણ મેળવી હતી.
દીપક ભટ્ટ નાનપણથી જ મિનિએચર આર્ટીસ્ટ બનવાનું સપનુ જોતા અને તેમનું આ સપનું તેમની કલા દ્વારા સાર્થક કરવામાં સફળ પણ રહ્યા હતા. મિનિએચર આર્ટીસ્ટ દીપક ભટ્ટની કલાત્મક કૃતિઓ અનેક રાજનેતાઓના ઘરમાં સુશોભિત છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી લઈને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પોતાના દ્વારા બનાવવામાં આવેલી કૃતિઓ ભેટમાં આપી છે.
દરરોજ કલાકો પ્રેકટિસ કરતા
દિપકભાઈ જણાવે છે કે આ કાર્ય માટે સૌથી મોટો પડકાર મારી આંખો અને હાથને આવી નાની જગ્યાઓમાં કામ કરવા માટે તાલીમ આપવાનો હતો. હું દરરોજ કલાકો પ્રેકટિસ કરતો. આ માટે તેઓએ યોગ,ધ્યાન અને પ્રાણાયામની પણ મદદ લીધી હતી. શરૂઆતમાં ચોખાના દાણા પર ચિત્રો દોરવામાં અનેક મુશ્કેલીઓ આવતી હતી. ચોખાનો દાણાના અનેક ટુકડાઓ થઇ જતા હતા પરંતુ નિરાશ થયા વગર સતત કાર્ય કરવાને પગલે અંતે સફળતા પ્રાપ્ત કરી હતી.