ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસમાં સંગઠનનું નવું માળખું જાહેર થતાં જ વિખવાદ શરૂ થયો છે. સંગઠન જાહેર થયા બાદની નારાજગી ખાળવા પ્રભારી મેદાને આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની નારાજગી સામે આવી છે. લલિત વસોયની નારાજગી ખાળવા રઘુ શર્માએ બોલાવ્યા. લલિત કગથરા અને કિરીટ પટેલને પણ પ્રભારીએ બોલાવ્યા. થોડીવારમાં પ્રભારી ત્રણેય નેતાઓ સાથે બેઠક કરશે.
ધારાસભ્ય લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી છે. વફાદાર રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. જોકે, લલિત વસોયાની નારાજગી દૂર કરવા બે ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. લલિત કગથરા અને કિરીટ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તેમની ગતિવિધિ તેજ કરી દીધી છે. આજે મોડીં સાજે ગુજરાત કોંગ્રેસે તેના સંગઠનની યાદી જાહેર કરી છે. જેમા ઉપપ્રમુખ અને મહામંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરાઈ છે.
ભોજન સમારંભમાં હાજર રહેલા મુખ્ય લોકો
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને ત્યાં ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સોલંકીને ત્યાં હાજર રહેલા નેતાઓની વાત કરીએ તો ભરતજી ઠાકોર, જશુ પટેલ, સહ પ્રભારી બીસ્વરંજન મોહંતી, દિપક બાબરીયા, વિમલ ચુડાસમા, ગુલાબસિંહ રાજપૂત, પ્રવિણ મૂછડીયા, શિવા ભુરિયા, ભગવાન બારડ, બળદેવજી ઠાકોર, જીગ્નેશ મેવાણી, સી.જે. ચાવડા, અમિત ચાવડા, રાજુભાઇ ઠાકોર,ચંદનજી ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ, કદીર પીરજાદા, નવશાદ સોલંકી, મોહનસિંહ રાઠવા,લાખા ભરવાડ, ચંદ્રિકા બારૈયા, વજેસિંહ, રઘુભાઈ દેસાઈ, હાર્દિક પટેલ, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, રાજેશ ગોહિલ, કાળુભાઈ ડાભી, પુંજા વંશ, નિરંજન પટેલ, રાજેન્દ્રસિંહ ચાવડા, સુનિલ ગામીત,પરેશ ધાનાણી, રઘુ દેસાઈ, કિરીટ પટેલ, ગેનીબેન ઠાકોર, ભીખા જોશી, બાબુ વાજા, કાંતિ સોઢા પરમાર ઉપરાંત જગદીશ ઠાકોર અને રઘુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મોહનસિંહ રાઠવાનું સૌએ સન્માન કર્યું
11મી વખત ચૂંટવા બદલ સૌએ મોહનસિંહ રાઠવાનું સન્માન કર્યું હતું.. તો બીજી તરફ ડિનર ડિપ્લોમસીમાં ભરતસિંહ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નબળી કે ઢીલી પડી નથી. હારની બાજીને જીતમાં બદલે તે જ સંગઠન કહેવાય. બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવિસ આવું સૂત્ર પણ તેમણે આપ્યું છે. ચૂંટણી વહેલી લાવવી હોય તો લાવો, અમે તૈયાર છીએ એવો હુંકાર સોલંકીએ કર્યો હતો. આવનારા સમયની ચેલેન્જ આવતીકાલની આદિવાસી રેલીથી થવાની છે.
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન
તો બીજી તરફ આ સમુહ ભોજનને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના ભોજનનું આયોજન વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.
આવનાર સમયમાં કોંગ્રેસ પરિવાર ભાજપ સામે લડશે.સમગ્ર પરિવાર આ જ રીતે એક થઈને લડશે. આ ઉપરાંત આવનારા સમયમાં કોંગ્રેસ તરફથી નવા નવા સૂત્રો આવતા રહેશે.