ગાંધીનગર: ગુજરાતમાં આવતી કાલે યોજાનાર મોકડ્રીલ સ્થગિત કરવામાં આવી છે. આ અંગે એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, આ દ્વારા જાણ કરવામાં આવે છે કે નાગરિક સંરક્ષણ કવાયત "ઓપરેશન શીલ્ડ", જે 29.05.2025 ના રોજ યોજાવાની હતી, તેને વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી છે. વિનંતી છે કે નાગરિક સંરક્ષણના તમામ નિયંત્રકો અને અન્ય હિસ્સેદારોને તે મુજબ જરૂરી નિર્દેશો જારી કરવામાં આવે. આ કવાયત માટેની આગામી તારીખો પછીથી જારી કરવામાં આવશે.

 

સાંજે 5થી 8 કલાકે મોકડ્રીલ યોજાવાની હતી

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે 5થી8 કલાકે મોકડ્રીલ યોજાવાની હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેકટરને જરુરી સૂચનાઓ આપી હતી. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુરુવારે 5 વાગ્યા પછી 6 રાજ્યોમાં મોકડ્રીલ યોજાશે. દરેક જિલ્લામાં 6થી7 જગ્યાએ એક સાથે સમસ્યા થાય તો તેના નિવારણ માટે મોકડ્રીલ યોજાશે. મોકડ્રીલના માધ્યમથી લોકોને સિવિલ ડિફેન્સ માટે લોકોને જોડાવા પ્રયાસો કરાશે. હવાઈ હુમલા સમયે શું કરવું તે અંગે પણ મોકડ્રીલ યોજાશે. મિલેટ્રી સ્ટેશનમાં હુમલો થાય તો શું કરવું તેની મોકડ્રીલ યોજાશે. વાયટલ ઇન્સ્ટોલેશનના સ્થળે બ્લેક આઉટ કરવાનું થાય તો તે માટે પણ મોકડ્રીલ યોજાશે. કલેક્ટર, એસપી, મ્યુનિસિપલ કમિશનર વગેરેને મોકડ્રીલ યોજવા સૂચના આપવામાં આવી છે.

નડાબેટ ખાતે "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું

29 તારીખના રોજ ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડરના નડાબેટ ખાતે પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાંજે 7.45 થી 8.15 સુધી સાયરન વગાડીને બ્લેક આઉટ કરવાનું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે  બનાસકાંઠા જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલ યોજાવાની હતી. જિલ્લા કલેક્ટરે નાગરિકોને સહયોગ આપવા તથા સરકારની સૂચનાઓનું પાલન કરવા અને નાગરિકોએ કોઈપણ પ્રકારનો ડર કે ભયના રાખવા સૂચન કર્યુ.