Monkey Terror: રાજ્યમાં એક પછી એક કપિરાજના હુમલાના કિસ્સા સામે આવી રહ્યાં છે, અમદાવાદમાં પણ આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, શહેરના સરખેજ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો છે, કપિરાજે 30 લોકોને બચકાં ભરીને ઘાયલ કરી દીધા છે. આ ઘટના સરખેજના રોજા, ચિકુની વાડી સહિતના વિસ્તારોમાં ઘટી છે. છેલ્લા પાંચ દિવસથી સરખેજમાં કપિરાજની ટોળીનો આતંક વધ્યો છે. આ ઘટના બાદ લોકોમાં ફફડાટ છે, અને લોકોને લાકડી સાથે રાખીને ફરવાની ફરજ પડી છે.


અમદાવાદમાં પણ હવે કપિરાજનો આતંક સામે આવ્યો છે, એક પછી એક 30 લોકોને કપિરાજે પોતાનો શિકાર બનાવતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. સરખેજમાં કપિરાજે 30 લોકોને બચકાં ભરી લેતા લોકોને હવે હાથમાં લાકડીઓ લઈને ફરવુ પડી રહ્યું છે. આ ઘટના મામલે સ્થાનિકોનું કહેવું છે કે સરખેજ રોજા, ચિકુની વાડી સહિતના વિસ્તારોમાં એક મહિનાથી કપિરાજનો આતંક સતત વધ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી તો ત્રણ-ચાર કપિરાજની ટોળીએ એટલી બધી હદ વટાવી છે કે, કેટલાક લોકોને તો હાથે કે પગે આઠ-દસ ટાંકા લેવા પડે એવી રીતે તેમના પર હુમલા કર્યા છે. કપિરાજનો આતંક માત્ર સરખેજ પૂરતો રહ્યો નથી, પરંતુ એરપોર્ટના પાર્કિંગ એરિયામાં કપિરાજની ટોળી થોડા દિવસ પહેલા ઘૂસી આવતાં ભારે દોડધામ મચી ગઈ હતી, કપિરાજને રન-વે પર આવતાં રોકવા જીપ દોડાવવી પડી હતી. 


માત્ર અમદાવાદ જ નહીં મહેસાણા જિલ્લામાં પણ કપિરાજનો આતંક વધ્યો હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ કડી તાલુકાના ધરમપુર ગામમાં કપિરાજે વધુ બે લોકોને બચકા ભરી લીધા હતા, અત્યાર સુધીમાં કપિરાજે 20થી વધુ લોકોને બચકાં ભરી લીધા છે. ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી કપિરાજનો આતંક છે. વન વિભાગને જાણ કરવા છતા કોઈ પગલા ના ભરાયા ભરાયા હોવાનું લોકો કહી રહ્યાં છે. હાલ ગામના લોકોમાં ભયનો માહોલ છે.