Ahmedabad News: રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે. આજે રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. રાત્રે અમદાવાદના પણ ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો. શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. શહેરના સાયંસ સિટી, સોલા, એસજી હાઈવે, શેલા, એસપી રિંગ રોડ, પાલડી સહિતના વિસ્તારમાં વરસાદ છે. દાણીલીમડા, સ્વામીનારાયણ ચોકમાં પણ વરસાદ છે.


રાજ્યમાં આજે ક્યાં ક્યાં વરસાદ


વડોદરાના પાદરામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ડભોઈ, શિનોરમાં પણ વરસાદ છે. અરવલ્લી જિલ્લામાં એક માસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. મેઘરજના જીતપુર, ખાખરીયા, ઇસરી, રેલ્લાવાડા સહિત પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જેને લઈ મકાઈ,સોયાબીન,તુવેર સહિત મુર્જાતા પાકને જીવતદાન મળ્યું છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


વાઘોડિયામા બપોરે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદની ચાતક નજરે વાટ જોતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી. આકાશમાંથી કાચું સોનું વરસ્યું હોય તેવો ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જોકે માત્ર ઝાપટું વરસી બંધ થતા ખેડૂતોની આશા નિરાશામા ફેરવાઈ હતી. ઝાપટું આવ્યા બાદ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે.  




હવામાન વિભાગે શું કરી છે આગાહી


રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે.. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે.           


વરસાદ ખેંચાતા અમરેલી સહિત રાજ્યભરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સીઝનની શરુઆતના સારા વરસાદના કારણે રાજ્યના ખેડૂતોએ હોંશેહોશે મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ પરંતુ ઓગસ્ટ મહિનો આખો અને સપ્ટેમ્બરની શરુઆતમાં પણ વરસાદ ન વરસતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.