મોરબીઃ મોરબી દુર્ઘટનાને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે મોરબી દુર્ઘટનાનું સ્વયંમ સંજ્ઞાન લીધુ છે. ચીફ જસ્ટિસના નિર્ણય બાદ સુઓમોટો જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે આ મામલે ગૃહ વિભાગ, ચીફ સેક્રેટરી, મોરબી નગરપાલિકા, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, અને માનવ અધિકાર પંચને નોટિસ જાહેર કરી છે.






સાથે જ મોરબી જિલ્લા કલેક્ટરને પણ નોટિસ આપવામાં આવી છે અને 14 નવેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. આજે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગતોને હાઇકોર્ટે શ્રદ્ધાંજલિ પણ આપી હતી.


આ અગાઉ મોરબી દુર્ઘટનાને લઇને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઇ છે.  30 ઓક્ટોબર રવિવારની સાંજે મોરબીમાં આવેલી મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 લોકોનાં મોત થયાં છે. દુર્ઘટના સર્જાયા બાદ ઘણા લોકોને બચાવામાં આવ્યા હતા. મચ્છુ નદીમાંથી લોકોને ડૂબતા બચાવા માટે ઘણા તરવૈયા અને તંત્રની ટીમો દ્વારા જહેમત ઉઠાવામાં આવી હતી. આ સાથે ડૂબી ગયેલા લોકોને શોધવા માટે આર્મી, એનડીઆરએફ (NDRF), એર ફોર્સ (Air Force), એસડીઆરએફ (SDRF) સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન પણ શરુ કરવામાં આવ્યું હતું. 


અગાઉ મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત કરી હતી. જ્યાં ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પુલ દુર્ઘટનાથી સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ મોરબી SP કચેરીમાં કરેલી હાઈલેવલ મિટીંગમાં કહ્યું કે, અધિકારીઓએ પીડિત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને આ દુઃખદ સમયમાં તેમને શક્ય તમામ મદદ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીને બચાવ કામગીરી અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવતી સહાય વિશે માહિતી આપી હતી