Crime News: અમદાવાદમાં ગુનાખોરીનો સિલસિલો યથાવત છે. શહેરના વિરાટનગર ચાર રસ્તા પાસે આવેલ કોર્પોરેશનની ઓફિસ નજીક બ્રિજ નીચેથી એક બિલ્ડરની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહ મર્સિડીઝ ગાડીની ડિકીમાંથી મળી આવ્યો હતો, અને તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.
ઘટનાની વિગતોમૃતકની ઓળખ હિંમત રૂડાણી તરીકે થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ હત્યા પૈસાની લેતીદેતી અથવા ધંધાકીય અદાવતના કારણે થઈ હોઈ શકે છે. મૃતકના પુત્રના જણાવ્યા મુજબ, તેણે છેલ્લે રાત્રે 11 વાગ્યે પોતાના પિતાને રિંગરોડ પર જોયા હતા જો કે, પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે 10 વાગ્યે અને 11 મિનિટે આ ઘટના અંગે કોલ મળ્યો હતો. હવે સાચી હકિકત તો તપાસ બાદ જ સામે આવશે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળના હત્યારાઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વધુ તપાસ શરૂ કરી છે.
12 સપ્ટેમ્બરે પાલડીમાં થઈ હતી યુવકની હત્યા
અમદાવાદના પાલડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે, જેના કારણે આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર મામલો ?
આ અંગે વિગતે વાત કરીએ તો, અમદાવાદના પાલડી ભઠ્ઠા વિસ્તારમાં નંબર પ્લેટ વગરની કારમાં આવેલા અસામાજિક તત્ત્વોએ નૈસલ ઠાકોર નામના યુવકની નિર્દયતાથી હત્યા કરી. હુમલાખોરોએ પહેલા પોતાની કારથી નૈસલને ટક્કર મારી. ત્યારબાદ તેઓ કારમાંથી નીચે ઉતરીને તીક્ષ્ણ હથિયારો (ધારિયાં અને છરી) વડે તેના શરીર પર આડેધડ ઘા ઝીંક્યા. નૈસલ ઠાકોર જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે હુમલાખોરોએ તેને ફરી પકડીને તેના શરીર પર આઠ જેટલા ઘા માર્યા અને ત્યારબાદ તેના પર કાર ચઢાવીને ફરાર થઈ ગયા.
પોલીસની કામગીરી પર સવાલઆ ઘટના પાલડી પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે બની હોવાથી પોલીસની રાત્રિ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જાહેરમાં થયેલા આ ઘાતકી ગુનાએ શહેરમાં ગુનેગારોનો પોલીસ પ્રત્યેનો ડર ઓછો થયો હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.હાલમાં, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી છે તે છતું કર્યું છે.