અમદાવાદઃઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમણે પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. જે બાદ તેઓ ગાંધીઆશ્રમ ગયા હતા. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ મોદી અને ટ્રમ્પ રોડ શો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં ટ્રમ્પે 27 મિનિટ સુધી ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.


ટ્રમ્પના ભાષણની 10 મોટી વાત

1) ટ્રમ્પે કહ્યું હતું, અમે 8 હજાર માઈલનું અંતર કાપીને અહીં એ જ કહેવા આવ્યા છીએ કે અમેરિકન્સને ભારત માટે પ્રેમ છે. 5 મહિના પહેલાં અમેરિકાએ તમારા મહાન વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આજે ભારતે અમારુ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું છે. સુંદર અને નવા મોટેરા સ્ટેડિયમમાં આવીને સંબોધન કરવું મારા માટે ગર્વની વાત છે.

2) પીએમ મોદી અદભુત નેતા છે. ભારત માટે દિવસ-રાત કામ કરે છે.

3) અમેરિકા ભારતને પ્રેમ કરે છે અને સન્માન કરે છે. ભારત આવવું મારા માટે સૌભાગ્ય છે. મારા માટે ખૂબ મોટા સન્માનની વાત છે. સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આવા સ્વાગતથી અભિભૂત છું. આવા સ્વાગત માટે 1.25 લોકોનો આભાર.

4) આગામી 10 વર્ષમાં ભારતમાંથી ગરીબી હટી જશે. આ સ્વામી વિવેકાનંદનો દેશ છે. ભારતમાં દરેક નાગરિકના હકનું સન્માન છે.

5) આ દેશમાં દર વર્ષે બે હજાર મૂવી બનાવવામાં આવે છે. વિશ્વભરમાં ભારતનું સંગીત સાંભળવામાં આવે છે.


6) અહીંયા અલગ અલગ ધર્મના લોકો સાથે મળીને રહે છે. તમામ મળીને સાથે પ્રાર્થના કરે છે. આ બધી ચીજો મળીને એક મહાન ભારત બનાવે છે.

7) ભારત અને અમેરિકા બંને આતંકવાદથી પીડિત છે. કટ્ટર ઈસ્લામી આતંકવાદનો સામનો કરવા ભારત-અમેરિકા સાથે રહેશે.


8) અમેરિકા ભારતનો મુખ્ય રક્ષા ભાગીદાર રહેશે. પ્રધાનમંત્રી મોદી અને હું ભારત-અમેરિકા સંબંધો વધારે ગાઢ બનાવવા પર ચર્ચા કરીશું.

9) ભારત વિશ્વના દરેક દેશ માટે ઉદાહરણરૂપ છે. અમેરિકા હંમેશા ભારતનું વફાદાર મિત્ર રહેશે.

10) અમને ભારત પર ખૂબ ગર્વ છે. ભારત આર્થિક મહાશક્તિ બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજમાં દરેક પાસે વીજળી છે.