અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેના કારણે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આખરી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે તેવી જાહેરાત કરવામા આવી છે. સોમવારે મોડી રાત્રે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ) દ્વારા આ જાહેરાત કરાઈ પણ આ જાહેરાત બહુ મોડી કરાઈ હોવાનો મત છે.
અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી બે ટી-20 મેચમાં 1.60 લાખ દર્શકોએ મેચ માણી હતી. પ્રથમ બે ટી-20માં ઉમટેલા 1.60 લાખથી વધુ પ્રેક્ષકો ગુજરાત માટે ખતરો બની શકે છે. બંને મેચમાં મોટા ભાગના દર્શકો માસ્ક વિના અને એકબીજાને અડકીને મેચ જોતા હતા. આ સંજોગોમાં આ 1.60 લાખ લોકો આગામી દિવસોમાં સુપર સ્પ્રેડર બનીને કોરોના વિસ્ફોટ કરાવે તેવો ખતરો છે. અત્યારે તો આ લોકો કોરોના ના ફેલાવે તેવી પ્રાર્થના કરાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી બે ટી-20 મેચમાં ઉમટેલા 1.60 લાખ દર્શકો પૈકી મોટા ભાગના અમદાવાદના છે તથી અમદાવાદ પર સૌથી મોટો ખતરો છે. અમદાવાદીઓએ પ્રથમ બે ટી-20 મેચથી દૂર રહેવું અને મેચ જોવા જનારા પણ સ્વૈચ્છિક રીતે આઈસોલેશનમાં જાય એ હિતાવહ છે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન જાહેરાત કરી છે કે 16, 18 અને 20 માર્ચે રમાનારી આખરી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે અને તેઓને ટિકિટના નાણા પરત કરવામાં આવશે. આ નાણાં કઈ રીતે પાછાં અપાશે તે અંગેની જાહેરાત આગામી એક-બે દિવસમાં કરવામાં આવશે.