ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિવાર રાજકારણથી અલિપ્ત છે અને મોદી ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં મોદીના પરિવારમાંથી કોઈ રાજકારણમાં આવ્યું નથી. હવે નરેન્દ્રભાઈ મોદીના મોટા ભાઈ પ્રહલાદભાઈ મોદીનાં પુત્રી સોનલબેન રાજકારણમાં સક્રિય થયાં છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવીને ભાજપ તરફથી ટિકિટ માગી છે.

સોનલબેને કહ્યું કે, હું અત્યાર લગી બાળકોની જવાબદારીના કારણે આગળ નહોતી આવી પણ હવે તેમનો પણ સપોર્ટ છે તેથી ચૂંટણી લડવા માગું છું. તેમણે કહ્યું કે, પરિવારવાદના કારણે મેં ટિકિટ નથી માંગી પણ અમારું ફેમિલી વર્ષોથી કામ કરતું રહે છે. મેં પણ ભાજપના કાર્યકર તરીક કામ કરેલુ છે, અમે બીજા બધાથી દૂર રહીને કામ કર્યુ છે જે દેખાયું નથી પણ હવે હું મારા કાર્યકર તરીકેની કામગીરીના જોરે જ ટિકિટની માંગણી કરું છું.



પ્રહલાદભાઈ મોદીનાં પુત્રી સોનલબેન મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોડકદેવ વોર્ડમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામત બેઠક માટે ભાજપમાં દાવેદારી નોંધાવી છે. સોનલબેને ટિકિટ માગીને દાવો કર્યો છે કે, અત્યાર સુધી કુંટબની સામાજિક તથા પારિવારિક જવાબદારીઓને કારણે સમાજ સેવામાં સંપૂર્ણ રીતે કાર્યરત નહોતા પણ હવે પારિવારિક જવાબદારી ઓછી થતાં લોકોની વચ્ચે જઇ લોકોની સેવા કરવા માટે ટિકિટ માગી છે.

તેમણે દાવો કર્યો કે, તેમના પરિવારે વર્ષોથી ભાજપમાં પાયાના સક્રિય કાર્યકર્તા તરીકે કામગીરી કરી છે અને ભાજપ માટે કામ કર્યું છે. પોતે પણ ભાજપમાં સક્રિય છે તેથી નરેન્દ્ર મોદીના પરિવારના સભ્ય તરીકે નહીં પણ એક કાર્યકર તરીકે બોડકદેવ વોર્ડમાં ટિકિટ માટે દાવેદારી કરી છે. તેમણે કહ્યું કે, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ટીકીટ અંગે જે પણ નિર્ણય લેવામાં આવશે એ શિરોમાન્ય રહેશે.

ફાઇલ તસવીર