Ahmedabad News: નવરાત્રિ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે વાતાવરણ પણ સૂકું બની ગયું છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે અને અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, નવરાત્રિમાં બે દિવસ વરસાદ વિઘ્ન બનશે. 15 અને 16 તારીખે વરસાદ પડી શકે છે.


ક્યાં ક્યાં પડશે વરસાદ


હવામાન વિભાગ મુજબ, 15 તારીખે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. જ્યારે 16 તારીખે સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં છુટા છવાયા વરસાદની આગાહી છે.


વરસાદ પડશે તો ખેડૂતોની દશા કફોડી બનશે


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે તો ખેલૈયાના રંગમાં ભંગ પડશે. આ આગાહીના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે. તેવા સંજોગોમાં વરસાદ થાય તો ખેડૂતોના મોઠામાં આવેલો કોળીયો છીનવાઇ જશે, જેથી ખેડૂતોને દશા કફોડી બનશે.


અંબાલાલ પટેલે પણ કરી છે વરસાદની આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 14 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ઉપરાંત 19 ઓક્ટોબરે પણ મજબૂત એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેના કારણે પણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે.