Seventh Day School Ahmedabad: અમદાવાદની શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓ તંત્ર સામે સ્કૂલ પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે. છરીના ઘા બાદ નયનનું મૃત્યુ થયુ હતુ. હવે પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર, પેટમાં છરીના ઘા વાગતા આંતરડામાં ચાર કાણા પડ્યા હતા, પેટમાં બે નળીઓ કપાઇ ગઇ હોવાથી લોહી પેટમાં જ જમા થઇ ગયુ હતુ.

મૃતક નયનના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં અનેક પ્રકારના ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર, મૃતક નયનના પેટમાં ઊંડા ઘા મારવામા આવ્યા હતા. નયનના પેટમાં 1.5 સેન્ટિમીટરનો ઘા હતો, લોહીની બે મુખ્ય નળી કપાતા પેટમાં 2.5 લીટર જેટલું લોહી જમા થઇ ગયુ હતુ. છરીના ઘા એટલા તીક્ષ્ણ હતા કે, પેટના આંતરડામાં 4 કાણા પડી ગયા હતા. મહત્વનું છે કે, નયનની સર્જરી કરાવાઇ છતાં જીવ બચી શક્યો ન હતો. આ ઉપરાંત અન્ય ખુલાસા થયા છે કે, સ્કૂલ પાસેની સ્ટેશનરીમાંથી જ હુમલાખોર વિદ્યાર્થીએ કટર ખરીદ્યુ હતુ. તપાસમાં સ્કૂલની બહાર જ એક નાનુ કટર મળી આવ્યુ  હતુ. ઇજા બાદ નયન 30 મિનીટ સુધી તડપતો રહ્યો હતો, પરંતુ સ્કૂલના સંચાલકો, સ્કૂલ ગાર્ડ કે સ્ટાફે કોઇ મદદ ના કરી.

વાલીઓનો મુખ્ય આક્ષેપ એ છે કે સ્કૂલ સંચાલકોએ અગાઉથી કોઈ મેસેજ કે જાણ કરી ન હતી, જેના કારણે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઘટનાએ વાલીઓમાં ચિંતા અને અસુરક્ષાની ભાવના વધુ મજબૂત કરી છે.

શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં 19 ઓગસ્ટ  મંગળવારના રોજ  ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી મચી હતી. જેમાં નજીવી બાબતે આ બને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી અને વિદ્યાર્થી તડપતો રહ્યો. મણીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  જ્યાં ત્રણ કલાક સર્જરી ચાલી હતી પરંતુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.