Rain forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના 'નાઉકાસ્ટ' અનુસાર, ભાવનગર અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર અને કચ્છ માં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દી માં હળવો વરસાદ પડી શકે છે.
આણંદ અને ખેડામાં મેઘમહેર
આણંદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ગાજવીજ સાથે આણંદ શહેર, ગામડી, ચિખોદરા, મોગરી, વિદ્યાનગર અને કરમસદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ અવિરત વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
બીજી તરફ, ખેડાના નડિયાદમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ નોંધાયો છે. તોફાની પવન સાથે પડેલા વરસાદથી નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ગરમીથી રાહત મળી છે. પાણીની તાતી જરૂરિયાત સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. બપોર બાદ મોડાસાના વરથુ, જીતપુર અને ઈસરોલ સહિતના ગામોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. આ વરસાદથી મગફળી અને મકાઈ જેવા પાકને જીવનદાન મળશે.
રાજ્યના 4 જિલ્લાઓમાં આજે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદની આગાહી
આજે 4 જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે. કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બુધવારે જૂનાગઢ જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મેંદરડામાં 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ અહીં જ્યાં અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા.
ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.