અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં નવા 78 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 32, સુરતમાં 38, વડોદરામાં 5 અને બનાસકાંઠામાં 3 નવા કેસ નોંધાયા છે. આજે ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે.

રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં આજે નવા 32 કેસ નોંધાતા શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 622 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 21 લોકોના મોત થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે ત્રણ લોકોના મોત થયા તે અમદાવાદના છે. 69 વર્ષ પુરૂષ અમદાવાદમાં 70 વર્ષના મહિલા અમદાવાદ સિવિલમાં અને એક પુરૂષનું મોત થયું છે.

અમદાવાદમાં આજે જે નવા 32 કેસ નોંધાયા છે તે દરિયાપુર, કાલુપુર, બેહરામપુર, કાંકરિયા, દિલ્હી ચકલા, અસારવા, જમાલપુર અને મણિનગર વિસ્તારમાંથી સામે આવ્યા છે.

આરોગ્ય સચિવ જયંતી રવીએ જણાવ્યું કે, આજે 24 હજાર રેપિડ ટેસ્ટ કિટ દિલ્હીથી આવી છે. અત્યાર સુધીમાં 23438 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટોટલ 1099 પોઝિટીવ દર્દીઓ છે. આજે 2535 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.