અમદાવાદ: ઈરાનમાંથી મોતને મ્હાત આપીને ગુજરાતી દંપત્તિ હાલ વતન પરત ફર્યું છે. ઈરાનથી પરત ફર્યા બાદ પંકજ પટેલને ગાંધીનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેજવામાં આવ્યો હતો. તો બીજી તરફ તેમના પત્ની નિશાબેન પટેલે તેમની સાથે ઘટેલી ઘટના અંગે મીડિયા સાથે વાત કરી હતી અને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
નિશા પટેલે કહ્યું કે, અમે ઈરાનના લીગલ રૂટ ઉપર જ ગયા હતા ઈરાનના વિઝા હજુ અમારા ચાલું છે. અમને 20 તારીખે રાત્રે છોડવામાં આવ્યા છે. હર્ષ સંઘવીના સપોર્ટથી અમને એક મોબાઈલ પણ મળ્યો હતો. અમદાવાદથી 3 તારીખે હૈદરાબાદ ગયા હતા. જે બાદ 8 તારીખે દુબઈથી ઈરાન ગયા. જો કે, ઈરાનથી અમને આગળના વિઝા ન મળ્યા. 8 દિવસ સુધી અમને ગોંધી રાખવામાં આવ્યા.
તેમણે વધુમાં કહ્યું કે, અભય રાવલે અમારા પરિવારને ગુમરાહ કર્યા હતા. અમારા પરિવારના મોબાઈલમાં નેટ અભય રાવલે બંધ કરાવ્યા હતા. અભય રાવલે વાત કરવાની બંધ કરી પછી એમને ત્યાં વધુ તકલીફ પડી. રોશન અમારા સંકેત ભાઈનો મિત્ર છે. અભય રાવલના કારણે જ અમને મુશ્કેલી થઈ છે. અભય રાવલે 1 કરોડ અને 15 લાખ રૂપિયામાં ડીલ કરી હતી.અભય રાવલે જે રૂટ નક્કી કર્યો હતો તેના બદલે અલગ અલગ રૂટ પર લઈ ગયો હતો.
જો કે, નિશા પટેલે એ વાતનો સ્વિકાર કર્યો કે, મેક્સિકોની અમેરિકામાં અમારે ઇલીગલ જવાનું હતું. અમને એરપોર્ટ સુધી એમણે ઓનલાઇન ટેક્સી કરાવી આપી હતી. એક રૂમમાં અમે 8 લોકો હતા. હું એક માત્ર મહિલા હતી બાકી બધા પુરુષો હતા. અમે બે ભારતીય હતા બાકીના બધા મુસ્લિમ દેશના હતા. અભય રાવલ સાથે અમે પતિ-પત્નીએ સાથે મળીને ડીલ નક્કી કરી હતી. અભય રાવલે જો પૈસા આપ્યા હોત તો અમે જલ્દી છૂટી જાત. અભય રાવલે પેમેન્ટ મોડું કર્યું તેના કારણે અમારે વધુ સહન કરવું પડ્યું.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, મારા પર બળાત્કાર કરવાની ધમકી અપહરણકારોએ આપી હતી.મને કોઈ ઇજા પહોંચાડી ના હતી પરંતુ મારી ભૂલની સજા મારા પતિને આપતા હતા. બે દિવસે એક વાર જમવાનું માત્ર ભાત આપતા હતા. દરરોજ અલગ અલગ લોકો આવી મારા પતિ સહિત અન્ય લોકોને ઇજા પહોંચાડતા હતા. કોઈને બ્લેડથી,કોઈને છરીથી,કોઈને કાંટા ચમચીથી શરીરમાં ઘા મારતા હતા. શારીરિક ત્રાસની શરૂઆત સિગારેટના ડામ આપવાથી કરી હતી.12 તારીખથી 20 તારીખ સુધી એમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યા હતા. અમે જીવશું કે નહિ તેની આશા પણ અમને ના હતી.