અમદાવાદઃ ગુજરાતમાં ઓક્ટબર મહિનાની શરૂઆતથી કોરોનાના દૈનિક કેસો અને એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ડાંગ જિલ્લા માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ જિલ્લો હવે ગેમે ત્યારે ફરીથી કોરોનામુક્ત બની શકે છે. આ જિલ્લામાં માત્ર એક જ એક્ટિવ કેસ છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી નવા કેસો પણ નોંધાયા નથી, ત્યારે આ જિલ્લો કોરોનામુક્ત બનવાની પૂરી શક્યતા છે. આ જિલ્લા માટે મોટી રાહતના સમાચાર એ પણ છે કે, અહીં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું નથી.


ગઈ કાલે રાજ્યમાં કોરોના વાયરસના 860 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3724 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,833 એક્ટિવ કેસ છે, જ્યારે 1,57,247 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 56 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,777 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,73,804 પર પહોંચી છે.

રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, પાટણમાં 1, વડોદરામાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી 5 લોકોનાં કરૂણ મોત થયા હતા. સુરત કોર્પોરેશનમાં 167, અમદાવાદ કોર્પોરેશનમાં 164, વડોદરા કોર્પોરેશનમાં 80, સુરતમાં 53, રાજકોટ કોર્પોરેશનમાં 49, વડોદરામાં 37, રાજકોટમાં 33, મહેસાણામાં 26, સાબરકાંઠામાં 22, ગાંધીનગર કોર્પોરેસનમાં 17, ગાંધીનગરમાં 14, અમદાવાદમાં 13 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કાલે કુલ 1128 દર્દી સાજા થયા હતા અને 51,084 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 61,04,931 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.47 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,24,633 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,24,529 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 104 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.