અમદાવાદઃ શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. મહામારીની શરૂઆતથી પ્રથમ વખત કોરોના એક્ટિવ કેસનો ઉત્તર પશ્ચિમ ઝોનમાં આંકડો 600ને પાર થયો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોન સિવાય દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં પણ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 600ની નજીક છે.


આમ, કોરોનાએ શરૂઆતમાં પૂર્વ વિસ્તારમાં કેર વર્તાવ્યો હતો. શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 3497 થી ગયા છે. તેમજ હવે નદી પારના પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેર વર્તાવી રહ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ, બોડકદેવ વિસ્તારનો સમાવેશ થાય ચે. આ વિસ્તારમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ, વેજલપુર, મક્તમપુરા અને જોધપુર વિસ્તારનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસ સાથે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 620 એક્ટિવ કેસ થયા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 593, પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટીવ કેસની સંખ્યા 598એ પહોંચી છે. મધ્ય ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસ 329 અને પૂર્વ ઝોનમાં 502 કોરોના એક્ટિવ કેસ છે.

દક્ષિણ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 517 પર પહોંચી છે. ઉત્તર ઝોનમાં કોરોના એક્ટિવ કેસ 338 પર પહોંચી છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંકડો 30,758 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મોતનો આંકડો 1695એ પહોંચ્યો છે.