અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 6 મહિના બાદ પ્રથમ વખત માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનનો આંકડો 10ની અંદર આવ્યો છે. એક વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. અન્ય 4 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. ચાંદલોડિયા વોર્ડની ગોદરેજ ગાર્ડન સિટીમાં 160 નાગરિકોની વસ્તી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ મુકવામાં આવી છે.


હાલમા અમદાવાદ શહેરમાં કુલ 09 માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે. જે પૈકી આજ રોજ કરવામા આવેલ વિસ્તતૃ ચર્ચા વિચારણા બાદ 01 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરવામાં આવ્યો છે.

જાહેર કરાયેલા નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના હેલ્થ વિભાગ દ્વારા આવતીકાલથી સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમિત 910 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 6 લોકોના મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4268 પર પહોંચ્યો છે. રાજ્યમાં સતત પાંચમાં દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા છે.