અમદાવાદઃ સમગ્ર દેશમાં દેશમાં ફરી એકવાર કોરોનાનો ખતરો મંડરાયો છે, આ વખતે કોરોનાના નવા અને ખતરનાક વેરિએન્ટ ઓમિક્રૉનને લઇને સરકાર ચિંતામાં છે, કેમ કે આ નવો વેરિએન્ટ ઓમિક્રૉન બહુ જ ખતરનાક છે અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાંથી આવેલા યાત્રીઓ આનાથી સંક્રમિત નીકળી રહ્યાં  છે. હવે ઓમિક્રૉનનો ખતરો ગુજરાતમાં પણ તોળાઇ રહ્યો છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ગુજરાતમાં શનિવારે એન્ટ્રી થઇ, રાજ્યમાં શનિવારે એક જ દિવસમાં નવા 44 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરમાં એકસાથે 11 લોકોને કોરોના પોઝિટિવ આવતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. 


ખાસ વાત છે કે, ભાવનગરના આ કોરોના સંક્રમિત લોકો તા. 25થી 29 નવેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે સિંધુભવન રોડ પરની મેરિએટ હોટેલમાં લગ્નપ્રસંગે આવ્યા હોવાની હિસ્ટ્રી સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ અમદાવાદમાં પણ ઘાતક વાયરસને લઇને ચિંતામાં વધારો થયો છે. શનિવારે ભાવનગર શહેરના જે 11 વ્યક્તિઓ પોઝિટિવ મળ્યાં છે. તેઓની ભાવનગર મ્યુનિ. આરોગ્ય તંત્રે ટ્રાવેલ હિસ્ટ્રી મેળવતાં આ પરિવાર તા.25 થી 29 નવેમ્બર દરમિયાન અમદાવાદમાં એક લગ્નપ્રસંગમાં ભાગ લેવા આવ્યા હતા. આથી આ 4 દિવસ દરમિયાન કેટલા લોકો અને કોણ-કોણ આ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા? તે શોધવા માટે માટે આરોગ્ય તંત્રે કવાયત હાથ ધરવી પડશે.  


આ અંગે રાજ્ય સરકારે આંકડા પણ જાહેર કર્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતમાં શનિવારે કોરોનાના 44 નવા કેસો સામે આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 12 કેસો સામે આવ્યા છે. જ્યારે ભાવનગરમાં 11, સુરત અને વડોદરામાં 5-5, દાહોદમાં 3, નવસારી, રાજકોટ અને વલસાડમાં 2-2 તેમજ કચ્છ અને રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 36 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.