ગાંધીનગર: થોડા સમય પહેલાં પોલીસ ભરતીમાં દોડ વખતે હાર્ટ ફેલ્યોરથી મૃત્યુ પામેલા યુવકના કિસ્સાને ધ્યાનમાં રાખીને સરકાર હવે શારીરિક યોગ્યતા કસોટી માટે કેટલાંક પરિવર્તનો લાવવા વિચારી રહી છે. પોલીસમાં લોક રક્ષક દળ, રાજ્ય પોલીસ અનામત દળ (એસઆરપીએફ) અને જેલ સિપાહી સહિતની જગ્યાઓ તથા વન વિભાગમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની જગ્યાઓ માટે થતી ભરતી માટેની શારીરિક કસોટીને શક્ય હોય તો સમાન ધોરણે લાવી બંને વિભાગની આ જગ્યાઓ માટે માત્ર એક જ વાર કસોટી લેવાની પદ્ધતિ અપનાવવા અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે.


મુખ્યમંત્રી સ્તરેથી સૂચના આવ્યા બાદ ગયા બુધવારે ગૃહ સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. તે પછી શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સરકારના ઉચ્ચ અધિકારીઓની વચ્ચે આ મુદ્દે એક બેઠક થઈ હતી. જોકે આ બેઠકમાં લેવાયેલો નિર્ણય જાહેર કરાયો નથી, પરંતુ આગામી સમયમાં આ અંગેની ઘોષણા કરાશે તેવું સરકારનાં સૂત્રો જણાવે છે. 


તમને જણાવી દઈએ કે, પોલીસની ભરતીમાં ઉમેદવારે પાંચ કિલોમીટર સુધી સતત દોડવાનું રહે છે, જ્યારે બીટ ગાર્ડની ભરતીમાં દોઢ કિલોમીટર જેટલી દોડ જરૂરી છે. હવે નવી વિચારાધીન પદ્ધતિ અનુસાર બંનેના દોડના અંતર સમાન કરી શકાય કે તેમ તે અંગેનો વિકલ્પ શોધાઈ રહ્યો છે. જો આમ કરવું શક્ય બનશે તો એક જ ઉમેદવાર કે જે બંને ભરતીમાં સામેલ થાય છે, તેને શારીરિક કસોટી માટે અલગ અલગ દિવસે અને સ્થળે ઉપસ્થિત રહેવાને બદલે એક જ કોમન કસોટીમાં હાજર રહી, તેમાં મેળવેલા ગુણાંક અને યોગ્યતાને આધારે મૂલ્યાંકન થશે. આમ ઉમેદવારને અલગ-અલગ સ્થળે અને દિવસે પરીક્ષામાં હાજર રહેવાની ખર્ચાળ અને કંટાળાજનક પ્રક્રિયામાંથી પણ મુક્તિ મળી શકે છે.


સરકારનાં સૂત્રો જણાવે છે કે, ઘણા કિસ્સામાં ભરતી પરીક્ષાની ગેરરીતિઓના કિસ્સામાં ભરતી માટેના કોચિંગ ક્લાસ સંચાલકોની શંકાસ્પદ ભૂમિકાઓ સામે આવી છે. આવા ક્લાસ પર નિર્ભર રહેવાને બદલે યુવાનો ભરતી માટે જરૂરી અભ્યાસ જાતે જ કરી શકે તે હેતુથી અભ્યાસક્રમનું સરળીકરણ કરવાની દિશામાં પણ પ્રયત્નો થઈ રહ્યા છે. આ સંજોગોમાં વર્ગ-3ની ઘણી નોન-ટેકનિકલ પોસ્ટની ભરતીની લેખિત પરીક્ષાના માપદંડોમાં સુધારો લાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે, જેથી ઉમેદવારોએ કોચિંગ પાછળ નાણાકીય ખર્ચ કરવો ન પડે.