અમદાવાદ સિવિલ હોસ્પિટલની જેમ જીએમડીસી (GMDC)માં બનાવાયેલી ધન્વંતરી હોસ્પિટલ (Dhanwantari Hospital)માં પણ 108 એમ્બ્યુલંસમાં લવાયેલા દર્દીઓ (Corona patient)ને જ દાખલ કરાશે તેવો પ્રશાસને નિર્ણય લીધો છે. તેમ છતા કેટલાક સ્વજનો દર્દીઓને ખાનગી વાહનોમાં લઈ પહોંચી જાય છે. જેને લઈ પોલીસ અને દર્દીના સગાઓ વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સા વધ્યા છે. આ ઘર્ષણ અટકાવવા જીએમડીસીમાં હોસ્પિટલ બહાર હવે બેનર લગાવાયા છે. જેમાં 108 એમ્બ્યુલંસમાં લવાયેલા દર્દીઓને જ દાખલ કરવામાં આવશે તેવા લખાણ લખાયા છે. બેનરમાં દર્દીઓ સારવાર માટે ખાનગી વાહનમાં સીધા ન પહોંચે તેવી અપીલ પણ કરાઈ છે.


અમદાવાદ શહેરમાં સતત વધી રહ્યું છે કોરોના (Coronavirus) સંક્રમણ. રવિવારે અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 5 હજાર 790 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં કુલ કેસનો આંક 1 લાખ 33 હજાર 106 કેસ પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2 હજાર 721 થયો છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસનો આંક પણ 43 હજાર 899 પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં એપ્રિલના 25 દિવસમાં જ કોરોનાના 60 હજારથી વધુ એટલે 64 હજાર 702 કેસ નોંધાયા અને 421 દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદમાં રવિવારે વધુ 1 હજાર 590 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં શહેરમાં કુલ 80 હજાર 138 દર્દીઓએ કોરોનાને માત આપી છે.


અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી વધુ 19 હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરી છે. આમ શહેરમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે વધુ 292 બેડનો વધારો થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના દર્દીઓને સારવાર આપવા માગતી  હોસ્પિટલો માટે કરેલી જાહેરાત બાદ શહેરની વધુ 19 હોસ્પિટલોએ કોવિડના દર્દીઓને સારવાર આપવાની તૈયારી દર્શાવતા મ્યૂનિસિપલ કોર્પોરેશને આ હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરી છે.


અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સાથે હવે માઈક્રો કન્ટેઈમેંટ ઝોનની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેરમાં શહેરના લઘુમતી વિસ્તારમાં પ્રથમ વખત કોરોના વિસ્ફોટ થયો છે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન મુજબ જમાલપુર વિસ્તારમાં આવેલી ભૂગડીની પોળમાં એકા એક કોરોનાના કેસ વધ્યા છે. જેના લીધે એક સાથે 150 મકાનોને માઈક્રો કન્ટેઈમેંટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અસારવાની ઉત્તર ગુજરાત સોસાયટીમાં 50 મકાનો અને શાહીબાગના શિલાલેખ એપાર્ટમેંટના જે બ્લોકમાં બે ફ્લોર માઈક્રો કન્ટેઈમેંટ ઝોન હેઠળ મુકાયા છે. રવિવારે વધુ 9 વિસ્તારો સાથે કુલ 369 વિસ્તારોને માઈક્રો કન્ટેઈમેટં ઝોન હેઠળ મુકવામાં આવ્યા છે. જો કે 22 વિસ્તારોન માઈક્રો કન્ટેઈમેંટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.