અમદાવાદ: રાષ્ટ્રપતિની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિપક્ષના રાષ્ટ્રપતિના ઉમેદવાર યશવંત સિંહા ગુજરાત આવશે. 30મી યશવંત સિંહા ગુજરાત આવશે અને  અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીના દર્શન કરે તેવી શક્યતા છે. દર વર્ષની જેમ વિપક્ષ ભગવાન જગન્નાથ મંદિરે જશે. ગુજરાત કોંગ્રેસ સાથે યશવંત સિંહા પણ  દર્શને જાય તેવી શક્યતા છે. તો બીજી તરફ અખિલ ભારતીય યુથ કોંગ્રેસના મીડિયા પ્રભારી રાહુલ રાઉએ બીજેપી પર આકરા પ્રહારો કર્યા છે.


તેમણે કહ્યું કે, છેલ્લા 15 દિવસથી દેશના નવયુવાનો રસ્તા પર છે. દેશ વિરોધી નીતિઓના કારણે સમય સમયે લોકો રસ્તા પર ઉતરે છે. વર્ષે 2 કરોડ યુવાઓને રોજગાર આપવાનો વાયદો કરીને સરકાર બનાવી છે. આવનારા સમયમાં ગુજરાત યુથ કોંગ્રેસ દરેક ઝોનમાં સભાઓ કરશે. યુથ કોંગ્રેસ દરેક ઝોનમાં 10 હાજર યુવાઓ સાથે સભાઓ કરશે . આ સભાઓમાં રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે મનાવશે. 1 લાખ પોસ્ટકાર્ડ લખીને ગુજરાતના યુવાનો વડાપ્રધાનને મોકલશે.


તો બીજી તરફ કોલેજોમાં અધ્યાપકોની ભરતી કોન્ટ્રાક્ટ પર કરવા મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ પણ સવાલો કર્યા છે. રાજ્યની ભાજપની સરકાર મોટાભાગની નોકરીઓની કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરે છે. હવે અધ્યાપકો પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કરવા જઈ રહી છે. કરાર આધારિત નોકરીમાં યુનિવર્સિટી રેગ્યુલર ભરતી નથી કરી શકતી. વીર નર્મદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ રીતની ભરતી કરી છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા ઉમેદવારોની જિંદગી સાથે સરકાર ચેડાં કરે છે. ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉપર પણ આ પદ્ધતિથી ખરાબ અસર પડે છે.


ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હી મોડેલ જોવા પહોંચ્યા રાજધાની


Delhi Model: ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીના વિકાસને મોડલ બનાવીને ચૂંટણી પ્રચાર કરી રહી છે ત્યારે ભાજપે પણ દિલ્હીના વાસ્તવિક વિકાસનું નિરિક્ષણ કરવા માટે પૂર્વ મંત્રી અને ધારાસભ્યો સહિતના 17 સભ્યોની ટીમને દિલ્હી મોકલી છે. જેને લઇને અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.


ભાજપનું આ 17 સભ્યોનું ડેલિગેશન બે દિવસ સુધી દિલ્હીમાં રોકાઈને કેજરીવાલ સરકારની કામગીરીનું નીરિક્ષણ કરશે. ત્યારે ગોપાલ ઇટાલીયા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે દિલ્હી ગયા છો તો કંઈક સારું શીખીને આવજો.ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે, શિક્ષણની શરૂઆત દિલ્હીથી થઈ હતી, શિક્ષણની કાયાપલટ થઈ જેની સુગંધ આખા દેશમાં પ્રસરી, ત્યારે હવે ભાજપ જ્યારે દિલ્હીનું શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા જોવા ગયું છે ત્યારે આ બાબત આમ આદમી પાર્ટીની સફળતા કહેવાય. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપ પણ આમ આદમી પાર્ટીના મુદ્દા તરફ વળ્યું છે તે આમ આદમી પાર્ટીની જીત છે. જે 17 ટુરિસ્ટ દિલ્લી ફરવા ગયા છે તેમને અભિનંદન અને આશા રાખીએ છીએ કે વિનંતી કે માત્ર ફોટો પાડીને નહીં પરંતુ દિલ્હીની સ્કુલ તેનું શિક્ષણ જોઈને કંઇક શીખીને આવજો.