Gujarat Weather: કમોસમી વરસાદે વિરામ લેતા જ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. હજુ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જશે. અમદાવાદમાં તો 42 ડિગ્રીને પાર તાપમાન જઈ શકે છે.


સોમવારે સુરેન્દ્રનગર રહ્યું ગુજરાતનું સૌથી ગરમ શહેર. સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ભૂજ, રાજકોટ, ડીસા, ગાંધીનગર, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 11 અને 12 મે એ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને ગરમીનો પારો 43 ડીગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે.


અંબાલાલ પટેલની આગાહી


રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે. 


બંગાળના દરિયા કાંઠે ભારે પવન સાથે વરસાદ થશે


અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા  છે. 10થી 18માં સર્જાવાની શક્યતા છે. જે 10,11,12 રુદ્ર સ્વરુપ ધારણ કરશે. તેની અસરના લીધે બંગાળના દરિયા કાંઠે ભારે પવન સાથે વરસાદ થશે. આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ અને મ્યાનમારમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 


ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા છે


તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાના કારણે અરબ સાગરનો ભેજ જે છે એ બંગાળના ઉપસાગર તરફ ખેંચાશે જેના કારણે ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા છે. દેશના ઘણા ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. એટલે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી થવાની શક્યતા છે. વડોદરા આણંદ અને અમદાવાદમાં વધારે ગરમી પડશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે ગરમી પડવાની શક્યતા છે. 


આ ઉપરાંત તેમણે કહ્યું કે  અરબી સમુદ્રમાં એક હળવા પ્રકારનું ચક્રવાત થવાની શક્યતા છે, જે 28 મેથી 10 જૂન થવાની શક્યતા છે. જો તેનો માર્ગ ગુજરાત તરફ હશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસાદ થવાની શક્યતા છે.


મોચા વાવાઝોડાની અસર


Cyclone Mocha ની અસર દેશના ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે બંગાળ, ઓડિશા અને છત્તીસગઢના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત દેશના ઘણા મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે Cyclone Mocha થી દેશના કયા કયા ભાગો પ્રભાવિત થશે?


IMDના ડીજી મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર તોફાન ધીમે ધીમે બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ આગળ વધશે અને 10 મે સુધીમાં તે વધુ તીવ્ર બનશે. તેની અસરને કારણે આંધ્ર પ્રદેશ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી, આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.