અમદાવાદ:  જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ તેના દૂરઉપયોગ પણ વધી રહ્યા છે. ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં સાઈબર ફ્રોડના કિસ્સાઓ દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે. સાઈબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર પણ અનેક પગલાં ભરી રહી છે. તો બીજી તરફ આજે અમદાવાદ સિવિલમાં પણ સાઈબર ફ્રોડથી બચવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સેવરત મહિલાકર્મીઓ માટે સાઇબર સિક્યુરીટી  સેમિનારનું આયોજન કરાયું હતું. સાઇબર ક્રાઇમ ડીસીપી દ્વારા મહિલાઓને સાઈબર સિક્યુરિટી અને સાઈબર સંબંધિત ગુનાઓ અને તેની સામેની તકેદારી વિશે વિગતવાર માહિતી અપાઇ હતી. નોંધનિય છે કે, આમ  અમદાવાદ સિવિલ મેડીસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમાં વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામા આવી હતી.


સાયબર સિક્યુરિટી સંદર્ભે સેમિનારનું આયોજન 


8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. મહિલાઓના માન, સન્માન અને સશક્તિકરણ તેમજ સમાજ  અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન સંદર્ભે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરાય છે. પ્રવર્તમાન સમયમાં વધી રહેલા સાયબર સંબંધિત ગુનાઓ સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓથી મહિલાઓને માહિતગાર કરાવવા અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલના નેતૃત્વ હેઠળ સાયબર સિક્યુરિટી સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હતું.




સાઇબર ક્રાઇમના ડીસીપી અજીત રાજીઅને આપ્યું ખાસ માર્ગદર્શન


હોસ્પિટલની મહિલા કર્મીઓ માટે અમદાવાદ સાઇબર ક્રાઇમના ડીસીપી રાજીઅન, એ.સી.પી. જે.એમ.યાદવ, અને પી.આઇ. મંજુ પટાવડા દ્વારા મહિલાઓને સાયબર સંબંધિત ગુનાઓ તેનાથી બચવાના ઉપાયો અને અગમચેતી સંદર્ભે રાખવાની તકેદારીઓ સંબંધિત વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


હોસ્પિટલમાં સેવારત મહિલાઓને આ સમગ્ર માહિતી ઉપયોગી નીવડે અને તેઓ પોતાના આસપાસની મહિલાઓને પણ આ સંદર્ભે જાણકારી આપી શકે તે પ્રમાણેનું સમગ્ર આયોજન હાથ ધરાયું હતું. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિતલ દ્વારા પણ મહિલા કર્મીઓને મોટીવેટ કરવામાં આવ્યા હતા.