અમદાવાદઃ બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદ આવશે. તેઓ સવારે 10:30 કલાકે અમદાવાદ પહોંચશે. દેવકીનંદન ઠાકુરજીની શિવ કથામાં તેઓ હાજરી આપશે. બાદમાં તેઓ સાંજે સુરત જવા રવાના થશે. આવતીકાલથી સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબારનું આયોજન થશે.
ગાંધીનગર, સુરત, અમદાવાદ અને વડોદરા ખાતે તેઓના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી બપોરે કથામાં પ્રવચન આપશે ત્યારબાદ તેઓ સુરતમાં દિવ્ય દરબારના કાર્યક્રમ માટે રવાના થશે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ગુરુવારે સવારે 11 વાગ્યે ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. તેઓ દેવકીનંદન સાથે બપોરે ભોજન લેશે. આરામ બાદ તેઓ વટવા વિસ્તારમાં શ્રીરામ મેદાનમાં શિવ મહાપુરાણની કથામાં દેવકીનંદન સાથે હાજર રહેશે. બપોર 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી તેઓ હાજરી આપશે. બપોરે દેવકીનંદનના ટૂંકા પ્રવચન બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વ્યાસપીઠ ઉપર બિરાજશે અને પોતાનું પ્રવચન આપશે. સાંજે છ વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત જવા માટે રવાના થઈ જશે.
અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે રજીસ્ટ્રેશન ફરજિયાત
સુરત અને રાજકોટ ઉપરાંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં પણ દિવ્ય દરબાર ભરશે. ચાણક્યપુરીમાં ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. 29 અને 30 મે ના રોજ ચાણક્યપુરીમાં દરબાર ભરાશે. જ્યાં દરબાર ભરાવાનો છે તે સ્થળે આયોજકો પહોંચ્યા છે. બા બાઘેશ્વરના દરબાર માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વિવાદો વધતા બાબાના દરબારને લઈ સુરક્ષમાં વધારો કરવામાં આવ્યો છે. દિવ્ય દરબારમાં પ્રવેશ માટે લોકોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા
પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.
મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ
થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.