અમદાવાદઃ ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નિખિલ સવાણી પ્રેસ કરી રાજીનામું આપે તે પહેલાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નિખિલ સવાણીને ગુજરાત યુથ કોંગ્રેસના ઇન્ચાર્જે સસ્પેન્ડ કર્યા છે. બે દિવસ પહેલા ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારોમાં મારામારી થઈ હતી.


યુવા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને ઉપપ્રમુખ નિખિલ સવાણી વચ્ચે ઝઘડો થયો હતો. નિખિલ સવાણી આવતી કાલે પ્રેસ કરીને આજીનામું આપવાના હતા. નોંધનીય છે કે, નિખિલ સવાણી પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલની સાથે જોડાયેલા હતા. તેમજ હાર્દિક પટેલના નજીકના માનવામાં આવે છે. 


અમદાવાદ કોંગ્રેસ ભાવનમાં યુથ કોંગ્રેસના કાર્યકરોની મારામારીના પડઘા દિલ્હીમાં પડ્યા હતા. મારામારી કરનારા યુથ કોંગ્રેસના 7 લોકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. 7 પૈકી ઉપપ્રમુખ નિખિલ સવાણીની યુથ કોંગ્રેસ અને કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરાઈ છે. 


બાકીના 6 લોકોને 24 કલાકમાં ખુલાસો કરવા યુથ કોંગ્રેસના ઇન્ચાર્જ હેમંત ગોગલેએ નોટિસ આપી છે. પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિહ જાડેજા અને અર્નિશ મિશ્રાને નોટિસ આપવામાં આવી છે. કરણસિંહ તોમર, વિશ્વનાથ વાઘેલા અને રાહુલ પરીખને પણ નોટીસ આપી હતી. 






ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ? ધરતીપુત્રોમાં આનંદ


વલસાડઃ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  11થી 13 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધાની વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. વાપીમાં વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. બીજી તરફ વરસાદ આવતા જ ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે. 


સૌરાષ્ટ્રમાં 12 અને 13 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં 12 જુલાઈ પછી અતિભારે વરસાદ વરસી શકે છે.  ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા,  સાબરકાંઠા સહિતના જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.  


12 જુલાઈએ રથયાત્રાના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં જામશે વરસાદી માહોલ. 11 જુલાઈએ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આ વર્ષે માત્ર 14 .64 ટકા વરસાદ વરસ્યો છે. 


આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પાણીની સંભવિત તંગીને જોતાં રાજકોટના કલેક્ટર દ્વારા 7થી 8 વિભાગોની બેઠક યોજવામાં આવી હતી.


ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પરંતુ તે સામાન્ય વરસાદથી દૂર થઈ શકે તેમ નથી. ગુજરાતમાં ખરીફ વાવેતરના છેલ્લા ત્રણ વરસની સરેરાશમાં કુલ ૧૫,૮૮,૧૨૪ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. જેમાં આ વરસે અત્યાર સુધીમાં ૫,૨૩,૨૫૩ હેક્ટરમાં વાવેતર થઈ ચુક્યું છે. જેમાં સૌથી વધુ વાવેતર મગફળીનું ૧,૮૦,૬૮૩ હેક્ટરમાં અને  બીજા ક્રમે કપાસનું વાવેતર ૧,૨૮,૯૦૮ હેક્ટરમાં થયું છે.


વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયેલું વાવેતર સુકાવાનો ભય ઉભો થયો છે. અત્યાર સુધીમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૧૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ વરસાદ ૧૩ ટકા જેટલો જ છે.


ગુજરાતમાં 25.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં 207 જળાશયોમાં 39.10 ટકા જળ વધ્યું છે. તેમાં પણ સરદાર સરોવર ડેમમાં 42.18 ટકા જળ સંગ્રહ થયેલો છે.