Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે એક મુસાફરનો જીવ બચી ગયો હતો. કેટલાક લગ્ન પછી તેમના પતિને મળવા લંડન જઈ રહ્યા હતા અને કેટલાક તેમની પહેલી યાત્રા માટે જઈ રહ્યા હતા. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બની હતી. જેમાં હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પોતાના સપનાઓ સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી તે દરમિયાન આ પ્લેન ક્રેશમાં તેનું મોત થયું છે.
પાયલ ખટીકે પોતાના સપનાઓ સાથે આ દુનિયાને અલવિદા કહ્યું
ખટીક પરિવારની દીકરી પાયલ ખટીક પોતાના સપનાઓ સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું. જોકે સુરેશભાઈ ઘટીક પોતે લોડીંગ રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા દીકરીને ધોરણ 12 સુધી હિંમતનગર ખાતે ભણાવી અને ત્યારબાદ બીટેક સુધીનો અભ્યાસ રાજસ્થાનમાં કરાવ્યો હતો અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે દીકરી લંડન જવા માટે ઇચ્છતી હતી અને તે દરમિયાન તેના પિતાએ તેને લંડન જવા માટે મંજૂરી આપી હતી. દીકરી પોતાની જાતે જ કન્સલ્ટન્સીઓ સાથે વાટાઘાટો કરી પ્રોસેસ કરી હતી અને ગઈકાલે સવારે 7:00 વાગ્યે હિંમતનગર ખાતેથી એરપોર્ટ જવા નીકળ્યા હતા અને પરિવારજનોએ તેને શુભેચ્છાઓ સાથે પ્લેન સુધી પહોંચાડી હતી. પરંતુ અમદાવાદ શહેરની બહાર નીકળતા પહેલા જ પરિવારને સમાચાર મળ્યા કે આવી એક ઘટના બની છે અને તપાસ કરતા આ પાયલ ખટીક જે પ્લેનમાં સવાર હતી તે પ્લેન જ ક્રેશ થયું હતું જેમાં પાયલ ખટીકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
પરિવારમાં શોકનો માહોલ
પાયલ ખટીકના મૃત્યુના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છે. પાયલના પિતા સુરેશભાઈ હજુ પણ પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવે છે. તેમણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમની પુત્રી સાથે આવું બનશે.
ફ્લાઇટ ચૂકી જતા બચ્યો જીવ
ભરૂચની રહેવાસી ભૂમિ ચૌહાણ એરપોર્ટ 10 મિનિટ મોડા પહોંચતા તેનો જીવ બચ્યો હતો. વાસ્તવમાં ભૂમિ ચૌહાણને અમદાવાદની લંડન જતી એર ઈન્ડિયાની એ જ ફ્લાઇટમાં જવાનું હતું જે ક્રેશ થઇ હતી. ગુરુવાર, 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરવાની એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, ટેકઓફ કર્યા પછી થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા, પરંતુ ભૂમિ ચૌહાણનું નસીબ તેને સાથ આપતું હતું. માત્ર 10 મિનિટના વિલંબને કારણે તેણી આ ફ્લાઇટ ચૂકી ગઈ અને આ વિલંબ તેના જીવનનું સૌથી મોટું 'વરદાન' બની ગયું હતું.