હાલ ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટાછટાવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે નૈઋત્યનું ચોમાસુ હવે તારીખ 28એ સોમવારથી વિદાય લેવાનું શરૂ કરશે તેમ હવામાન વિભાગમાંથી જાણવા મળ્યું છે. દેશમાં વરસાદનું આગમન દક્ષિણે કેરલથી થાય છે પણ તેની વિદાય પશ્ચિમે કચ્છ અને રાજસ્થાનથી શરૂ થાય છે.


આ દરમિયાન હાલ સૌરાષ્ટ્રમાં સવારના ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને વરસાદે વિરામ લીધો છે અને આજથી તારીખ 30 સુધી કચ્છ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી સહિત મોટાભાગના જિલ્લાઓમાં સૂકુ હવામાન રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સંજોગોમાં સૂત્રો અનુસાર ચોમાસાની વિદાય માટે ઉજળા સંજોગો બની રહ્યા છે.

જોકે હવે આજે સવારે રાજસ્થાન ઉપર હવાનું સાયક્લોનિક સરક્યુલેશન હતું અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આંશિક વાદળો છવાયેલા છે ત્યારે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે હળવા-મધ્યમ ઝાપટાં વરસવાની આગાહી જારી રાખવામાં આવી છે. પરંતુ એકંદરે બે દિવસથી રાજકોટ સહિતના સ્થળે દિવસે વિટામીન ડી આપતો સૂર્યનો તાપ વરસી રહ્યો છે તો રાત્રે શીતળતા આપતા ચંદ્રના અને તારાના દર્શન થવા લાગ્યા છે.