અમદાવાદઃ કોરોનાના કારણે લાદવા પડેલા લોકડાઉનના કારણે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થતાં લોકો તકલીફમાં છે ત્યાં તેમની તકલીફમાં વધારો કરે તેવા નિર્ણયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. કેન્દ્ર સરકારની માલિકીની ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 58 પૈસા અને ડીઝલના ભાવમાં  પ્રતિ લિટર 57 પૈસાનો વધારો કર્યો છે.


આ વધારો બહુ લાંબા સમય પછી કરાયો છે. છેલ્લે માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા. આમ હવે 83 દિવસ પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. છેલ્લે 15 માર્ચના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 58 પૈસાનો વધારો થતાં અમદાવાદમાં હવે 67.79 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ વેચાશે. એ જ રીતે ડીઝલના ભાવમાં ડીઝલના ભાવમાં  57 પૈસાનો વધારો થતાં રૂપિયા 65.89 ભાવ થયો છે.


લોકડાઉન ખુલ્યા બાદ પહેલાં સીએનજીના ભાવ વધ્યા હતા. હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા CNG બાદ વધુ એક ફટકો લોકોને પડ્યો છે. રાજ્યમાં મહિને 23 કરોડ લિટર પેટ્રોલ અને 55 કરોડ લિટર ડીઝલની ખપત થાય છે.