અમદાવાદઃ ગઈ કાલે કોરોના થતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થયેલા ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્નીના ખબર અંતર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યા હતા. નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યસભાના સંસદસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન અને તેમના પત્ની નીતાબેન અમીનના કોરોના સંક્રમિત થવાના સમાચાર સાંભળીને બન્ને સાથે ટેલિફોનિક વાત કરી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. તેમજ જલ્દીથી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી.


આ ઉપરાંત દેશના ગૃહપ્રધાન અમિતભાઇ શાહે પણ બન્ને સાથે ટેલિફોનિક વાત કરીને ખબર અંતર પૂછ્યા હતા અને જલ્દીથી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 9 સાંસદો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 5 લોકસભાના અને 4 રાજ્યસભાના સાંસદો છે.

લોકસભાના સાંસદોની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ, પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, અમદાવાદના બંને સાંસદો કિરીટ સોલંકી અને હસમુખ પટેલ તેમજ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

આ ઉપરાંત રાજ્યસભાના સાંસદોની વાત કરીએ તો નરહરિ અમીન, અભય ભારદ્વાજ, અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. નરહરિ અમીન અને તેમના પત્નીને કોરોનાનો ચેપ લાગતા તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અભય ભારદ્વાજ કોરોનાની સારવાર પછી ફેફસાની તકલીફ થતાં ચેન્નઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, તેમની તબિયત સારી હોવાના સમાચાર તાજેતરમાં જ આવ્યા હતા અને તેમને ગમે ત્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાય તેવું જણાવાયું હતું.

તેમજ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની શુક્રવારે રાતે કોરોનાની સારવાર પછી તબિયત બગડતા તેમને દિલ્લીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમને ફેફસામાં ઇન્ફેક્શન થતાં તેની સારવાર આપવામાં આવી રહી છે. જોકે, હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.