PM Modi Gujarat Visit:  વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદી અમદાવાદમાં સાયન્સ સિટી ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન સવારે 10 વાગ્યે હાજરી આપશે. ઉપરાંત વડાપ્રધાન સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહેશે.


સાયન્સ સિટી ખાતે આયોજીત કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી બોડેલી ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે બોડેલી ખાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. બોડેલીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન વડોદરા પહોંચશે. જ્યાં નારી શક્તિ વંદન કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાંથી કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ દિલ્હી જવા રવાના થશે.


 






નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી સવારે 10 વાગે સાયન્સ સિટી ખાતેના કાર્યક્રમમાં પહોંચશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો ભાગ લેશે.


પીએમ મોદી લગભગ 12.45 વાગ્યે છોટા ઉદેપુરના બોડેલી જશે, જ્યાં તેઓ 5,200 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી બુધવારે ગુજરાતના છોટા ઉદેપુરમાં 22 જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં Wi-Fi સુવિધાઓ સહિત 5,206 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ગુજરાત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએમ મોદી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ અન્ય વિકાસ કાર્યોની સાથે 4,505 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.


પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાઇ હતી. દેશની પ્રથમ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થયાને 20 વર્ષ થઈ ગયા છે. આ બે દાયકામાં ગુજરાતની આ પહેલ અનેક રીતે દેશ માટે માર્ગદર્શક બની રહી છે.