અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી જુલાઇ,2021ના રોજ ગુજરાતના પાટનગર ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ પામેલા રેલવે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટલ, એક્વાટિક અને રોબોટિક ગેલેરી, સાયન્સ સિટીમાં નેચર પાર્કનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે તેમ પીએમઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર, ગાંધીનગરનું નવિનીકરણ પામેલું અદ્યતન રેલ્વે સ્ટેશન અને 318 રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીકમાં હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બનશે.






 પ્રધાનમંત્રી આ સાથે સાયન્સસિટીમાં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે. સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોમાં રૂ. 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરી, રૂ. 127 કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ. 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા નેચર પાર્કનો લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થશે.


રૂ. 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરી, જ્યાં અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ ભારતનું સૌથી મોટું એક્વેરિયમ હશે અને મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે તે તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં શાર્ક સહિત ઘણાં પ્રકારની જળચર પ્રજાતિઓ માટે અલગ અલગ 68 ટેન્ક છે.




સાયન્સ સિટી પરિસરમાં રૂ. 127 કરોડના ખર્ચે 11000 સ્કેવર મીટર વિસ્તારમાં નિર્મિત અત્યાધુનિક રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિ છે. તેમજ આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલ હ્યુમનોઇડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યકત કરતાં મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને તેની ઉપયોગિતાનું પ્રદર્શન છે, જેમ કે મેડિસિન, એગ્રિકલ્ચર, સ્પેસ, ડિફેન્સ અને રોજિંદા જીવનમાં ઉપયોગી રોબોટ્સ. રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલી ભોજન રોબો વેઇટર્સ દ્વારા પીરસવામાં આવશે, તે સુવિધાઓનું પણ ઉદઘાટન વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી કરશે.


 વડાપ્રધાન ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ વર્ચ્યુઅલ પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો શુભારંભ પણ વડાપ્રધાન આ અવસરે કરાવશે.