વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમની શરુઆત સુરતથી થશે.  સવારે સવા 11 વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન થશે. જે બાદ લિંબાયત વિસ્તારથી 3 હજાર 400 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદી ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શૉ યોજશે. રોડ શૉના રૂટ પર સુરત પોલીસ ડ્રોન કેમેરાથી નજર રાખશે. રોડ શૉ બાદ તેઓ નિલગીરી ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભા સંબોધશે. જેને લઈને લિંબાયત વિસ્તાર દુલ્હનની જેમ શણગારાયો છે. મોદીની સુરક્ષાને લઈને 3 હજારથી વધુ જવાનો ખડેપગે રહેશે.






પીએમ પ્રવાસને લઈને ભાજપના પદાધિકારીઓની બેઠક મળી હતી. જાહેસભામા એક લાખથી વધુ લોકો ઉમટશે તેવો દાવો કરાઈ રહ્યો છે. તો વરસાદથી બચવા સભા સ્થળે 3 મહાકાય ડોમ બનાવાયા છે.સુરતનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ભાવનગર માટે રવાના થશે.  ભાવનગર ઉપરાંત બોટાદ અને અમરેલી જિલ્લા માટે 6 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બપોરે દોઢ વાગ્યે એરપોર્ટ પર આગમન બાદ તેઓ મહિલા કોલેજથી અઢી કિલોમીટર લાંબો રોડ શૉ યોજશે. ત્યાર બાદ જવાહર મેદાનમાં જાહેરસભા સંબોધશે.


જે બાદ સાંજે અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીનું આગમન થશે અને ત્યાંથી ગાંધીનગરમાં રાજભવન માટે રવાના થશે. જે બાદ સાંજે સાત વાગ્યે અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાત્રે નવ વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાગ લેશે.  ગરબા મહોત્સવમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી ફરી ગાંધીનગર માટે રવાના થશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.


જે બાદ બીજા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરે સવારે સવા દસ વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશને ગાંધીનગર-મુંબઇ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. ત્યાર બાદ  સાડા અગિયાર વાગ્યે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પહોંચશે. જ્યાં અમદાવાદ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટનું લોકાર્પણ કરી કાલુપુર રેલવે સ્ટેશનથી દુરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે.  બાદમાં બપોરે સાડા 12 વાગ્યે AEC ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન કરી ગાંધીનગર રાજભવન માટે રવાના થશે. જે પછી સાંજે પોણા પાંચ વાગ્યે બનાસકાંઠાના દાંતામાં 7 હજાર 200 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.  તો સાંજે સાત વાગ્યે અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. જ્યારે પોણા આઠ વાગ્યે ગબ્બર પર્વત પર આરતીમાં ભાગ લેશે. આમ બે દિવસનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી મોદી રાત્રે અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.


જેમાં 8 હજારથી વધુ આવાસોનું ખાતમુહૂર્ત કરશે. 53 હજાર આવાસનું લોકાર્પણ પણ કરશે. 124 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અંબાજી બાયપાસ રોડનું લોકાર્પણ કરાશે. ઉપરાંત 2 હજાર 798 કરોડના ખર્ચે તારંગા હિલ-આબુ વચ્ચે નિર્માણ પામનારી બ્રોડગેજ રેલવે લાઈનનું ભૂમિપૂજન કરશે.


તો આજે સાંજે પીએમ મોદી 36મી નેશનલ ગેમ્સની શરૂઆત કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં 7 હજાર ખેલાડી સહિત હજારો લોકો હાજર રહેશે. લોકોને સ્ટેડિયમ સુધી લઈ જવા BRTS-AMTS ઉપરાંત એસટીની 1750 બસો ફાળવાઈ છે. નેશનલ ગેમ્સના ઉદ્દઘાટન બાદ તેઓ જીએમડીસી ગ્રાઉન્ડમાં ચાલતા નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે.