ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે, તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તેઓ આગામી 14 અને 15મી ડિસેમ્બરે ગુજરાત આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છમાં માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરવાના છે. તેમજ 14મીની રાત્રે કચ્છના ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરે તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત ખાવડામાં સોલર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત પણ કરશે.


વડાપ્રધાનની ગુજરાત પ્રવાસની માહિતી આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 15મી ડિસેમ્બરે કચ્છમાં રિન્યુબલ એનર્જી એટલે કે સોલાર અને વિંડ, આપણા બોર્ડર વિસ્તારના રણ પ્રદેશમાં 30 હજાર મેગાવોટ દુનિયાના સૌથી મોટા પાર્ક રિન્યુબલ એનર્જીનું ખાતમૂહુર્ત કરશે.

નોંધનીય છે કે, અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 28મી નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમજ અમદાવાદના ઝાયડસ પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસીની સમીક્ષા કરી હતી. હવે વડાપ્રધાન ફરીથી ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે.