અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે માસ્ક નહીં પહેરનારને કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવાના આદેશ મુદ્દે ગુજરાતની રૂપાણી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ સમયે દિશા-નિર્દેશો આપતાં જણાવ્યું હતુ કે, માસ્ક પહેરવાના નિયમનું કડક પાલન થાય. તમામ લોકો માસ્ક વગર ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટસિંગનું પાલન થતું નથી. જોકે, કોમ્યુનિટી સર્વિસના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોવિડ-19 પોઝિટિવ પોસ્ટર લગાવવું ન જોઈએ. સામે કેન્દ્રે જણાવ્યું હતું કે કોવિડ પોસ્ટર ચોંટાડવાની કોઈ વાત કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, લોકો ગમે ત્યાં થુંકી રહ્યા છે. આ બધું શું ચાલી રહ્યું છે. રાજ્ય સરકારો શું કરી રહી છે. સામાજિક મેળાવડાને લઈને પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. એસઓપીનું યોગ્ય રીતે પાલન કરાવવું જોઇએ.



નોંધનીય છે કે, ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટના માસ્ક નહીં પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરાવવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય પાંચ દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજુ કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો છે. જોકે, માસ્ક નહીં કરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે.