ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૭મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને 'વિશ્વકર્મા યોજના' શરૂ કરવાનું વચન આપ્યું હતું. પોતાના આ વચનને પરિપૂર્ણ કરતા વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમયોગીઓ માટેની 'પીએમ વિશ્વકર્મા' યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. 


 






આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાના વ્યવસાયકારોના હુનર, ઉદ્યોગને સમયાનુરૂપ વિકાસ, તકો અને નવી ઓળખ આપવાનો પ્રયાસ આ 'પીએમ વિશ્વકર્મા યોજના'થી વડાપ્રધાનએ કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોમ્પિટિશનના આજના યુગમાં 'પીએમ વિશ્વકર્મા યોજના' નાના કારીગરોને ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટ માટેનું એક આખું મિકેનિઝમ ઊભું કરનારી આગવી યોજના બની રહેશે. આ 'પીએમ વિશ્વકર્મા યોજના' નો લાભ ગુજરાતના બે લાખ જેટલા નાના-મોટા કારીગરોને મળશે. એટલું જ નહીં, દેશમાં અંદાજિત વીસ લાખ લોકો યોજનાથી લાભન્વિત થશે.


કારીગર વર્ગને થશે લાભ


 સુથાર, લુહાર, સોનાર, રમકડાં બનાવનાર, વણનાર, ચણતરકામ કરનાર, હોડી બનાવનાર, કુંભાર, હથોડી બનાવનાર, શિલ્પકાર, ચર્મકાર, રામી, બખ્તર બનાવનાર, તાળાં બનાવનાર, વાળંદ, માછલી પકડનાર, ધોબી, દરજી જેવા કુલ 18 પ્રકારના વ્યવસાયકારો આ યોજનાનો લાભ મેળવીને ખરાં અર્થમાં આત્મનિર્ભર બનશે અને 'અન ટુ ધ લાસ્ટ' એટલે કે અંત્યોદયનો વિકાસ થશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.


પીએમ વિશ્વકર્મા યોજનાથી જુદા જુદા 18 જેટલા કુશળ કારીગરોની હસ્તકલાને પ્રાધાન્ય આપી પ્રોત્સાહન આપી શકાશે. આ ઉપરાંત રાહત દરે લોન અને આધુનિક તાલીમ પણ અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા 18 વર્ષ કે તેથી વધુ વયના વિવિધ 18 જેટલા વ્યવસાયો સાથે સંકળાયેલા કુશળ કારીગરોને પ્રથમ તબક્કામાં રૂ. 1 લાખ સુધીની લોન રાહત દરે 18 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કાની રૂ. 2 લાખ સુધીની લોન રાહત દરે 30 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે.


વધુમાં, આ યોજનાના લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ પણ આપવામાં આવશે. કારીગરોને મૂળભૂત તથા આધુનિક સ્તરની તાલીમ અને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને તાલીમના સમયગાળા દરમિયાન ટૂલકિટ સ્વરૂપે રૂ.15,000 સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે. સિટી સિવિક સેન્ટરમાં આધારકાર્ડ આધારિત બાયોમેટ્રિક ચકાસણીને આધારે યોજનામાં ઓનલાઈન નોંધણી કરાવી શકાશે.