અમદાવાદ: કૉંગ્રેસના પ્રભારી પ્રફુલ શાહે કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા માર મારવા મામલે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કૉંગ્રેસના યુવા પ્રમુખ પ્રમોદ ઠાકોર અને દિનેશ મહિડા સહિત સાતથી આઠ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ટિકિટ ન મળતા નેતાઓએ પ્રફુલ શાહ પર હુમલો કર્યો હતો.


AMCની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર ન કરીને છેલ્લી ઘડીએ લોકોને ફોન કરીને મેન્ડેટ આપ્યા હતા. કોંગ્રેસની રાણીપ, સાબરમતી અને ચાંદખેડા વોર્ડના પ્રભારી પ્રફૂલ શાહનો કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અને કાર્યકરોએ ભેગાં મળીને પ્રફુલ શાહની ધોલાઈ શરૂ કરી તેમને મૂઢ માર માર્યો હતો.

રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.