અમદાવાદ: અધ્યોધ્યા રામમંદિર જમીન વિવાદ સંદર્ભે સુપ્રીમ કોર્ટ આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવશે જેને ધ્યાને લઈને ગૃહ વિભાગે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી ગુજરાત પોલીસને એલર્ટ પર રહેવા આદેશ કર્યાં હતા. ગુજરાત પોલીસને સવારથી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. પોલીસને સાવધાની માટે સતત પેટ્રોલીંગ, ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.

તમામ અધિકારીઓને પોતાનું વડુ મથક ન છોડવા આદેશ કર્યાં છે. આઈબીએ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરતાં તમામ એજન્સીઓ સક્રીય થઈ ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને વિસ્તારમાં સતત હાજર રહેવા આદેશ કર્યાં છે. રાજ્યની પરિસ્થિતીનું સતત મોનિટરીંગ ડીજી ઓફિસથી કરવામાં આવશે. આ ઉપરાંત રાજયના ડોગ સ્કવોર્ડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, એટીએસ, એસઓજીને એલર્ટ રહેવા આદેશ કર્યા છે.

અયોધ્યા રામમંદિરના ચુકાદા મુદ્દે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં રહેવા આદેશ આપ્યા છે. બે અર્ધલશ્કરી દળની રિઝર્વ ફોર્સ અને લીવ રિઝર્વમાં રખાયેલા, પોલીસ સ્ટેશનના તમામ વાહનોને લોડેડ હથિયારો સાથે સતત પેટ્રોલીંગ કરવા આદેશ કર્યા છે. પીસીઆર વાન અને અન્ય પોલીસ વાહનો જેમાં અર્ધ લશ્કરી દળોને પણ પોતાના સાથે હેલ્મેટ, લાકડી, હથિયાર, ઢાલ સહિતની તમામ વ્યવસ્થા સાથે હાજર રહેવા આદેશ કર્યા છે.

સાયબર ક્રાઇમ અને એસઓજી સહિતની એજન્સીઓને એલર્ટ રહેવા આદેશ કર્યા છે. સોસિયલ મિડિયા પર પોલીસ બાજ નજર રાખશે અફવા ફેલાવનાર કે ખોટા મેસેજ વાઇરલ કરનાર પર નજર રાખવામાં આવશે. એસઓજી, એટીએસ સહિતની એજન્સીઓ સતત પેટ્રોલીંગ અને સંવેદનશીલ જગ્યા પર હાજર રહેશે.